મહીસાગર જિલ્લાના ભાજપના બળવાખોર નેતાનું પાટીલે કર્યું સહર્ષ સ્વાગત, જે.પી.પટેલે ફરી કેસરીયો ધારણ કર્યો


  • Published By :
  • Published Date : 2023-06-06 14:16:29

ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા નેતાઓનું ભરતી અભિયાન શરૂ કર્યું છે. વિરોધ પક્ષોના આગેવાનો અને અગ્રણી પદાધિકારીઓને કેશરીયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકારવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા કોંગ્રેસના નેતાઓની સાથે સાથે હવે આપ નેતાઓને પણ ભાજપમાં લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, આ કડીમાં હવે બાલાસિનોરના આપના નેતા ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાઇ ગયા છે. ઉદયસિંહ ચૌહાણ ઉપરાંત ભાજપના પૂર્વ મહીસાગર જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ)એ પણ ઘરવાપસી કરી છે. ઉદયસિંહ ચૌહાણ તથા જે.પી.પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાજરીમાં આજે કેસરિયા ધારણ કરી લીધો છે. જે.પી.પટેલ અને ઉદેસિંહ ચૌહાણ સહિત લુણાવાડા, મહીસાગર અને ખેડા જિલ્લાના આગેવાનો અને સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. આ તમામને સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. 


પક્ષ પલટુ નેતાઓનું ભાજપમાં સહર્ષ સ્વાગત


લોકસભાની ચૂંટણી પહેલા મહીસાગર જિલ્લાના બે કદાવાર નેતાઓએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. ભાજપના પૂર્વ મહીસાગર જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ) જેઓ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી લુણાવાડા વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવી હતી, પરંતુ ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો ઉદયસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા અને બાલાસિનોર વિધાનસભા કોંગ્રેસના કદાવર નેતા અને જૂના જોગી હતા. જેઓ ચૂંટણી ટાણે મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બાદમાં બાલાસિનોર વિધાનસભા બેઠક પર 'આપ'માંથી તેઓએ ગત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. આમ આજે આ બંને પક્ષ પલટુ નેતાઓ ભાજપમાં જોડાયા છે.


કમલમ ખાતે યોજાયો નેતાઓનો ભરતી મેળો


જયપ્રકાશ પટેલ (જે.પી.પટેલ) અને ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે બંને નેતાઓએ ખેસ ધારણ કર્યો હતો. આ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. ગાંધીનગર કમલમ ખાતે તમામ કાર્યકર્તાઓનું બીજેપીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.


પાટીલ અને વાઘાણીએ બળવાખોરો સામે આપ્યું હતું ઉગ્ર નિવેદન


અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અગાઉ બળવાખોરોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે બળવાખોરો જીતી જશે તો પણ ભાજપમાં નહીં મળે સ્થાન નહીં આપવાની ચીમકી આપી હતી. આ જ પ્રકારે લુણાવાડામાં જ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ ભાજપ સાથે દ્રોહ કરનારાને પાર્ટીમાં પાછા લેવામાં નહીં આવે તેવું સોઈ ઝાટકીને કહ્યું હતું. જો કે આજે જે સી આર પાટીલે જ જે.પી.પટેલ સહિતના બળવાખોરોને સહર્ષ આવકાર્યા છે.


પક્ષ પલટુ નેતાઓ અંગે કાર્યકરો બેવાર વિચારે


કોઈ પણ પાર્ટીના નેતાના કાર્યકરો તેના નેતાની આંધળી ભક્તિ કરતા હોય છે. નેતા પર ભરોસો રાખીને તેને સમર્થન આપતા અને ચૂંટણી પ્રચારમાં દિવસ-રાત મહેનત કરતા હોય છે. જો કે આ નેતાઓ ચૂંટણી જીત્યા બાદ કાર્યકરોને પૂછ્યા વગર જ પક્ષપલટો કરતા હોય છે, આ વખતે કાર્યકરોની હાલત કફોડી થાય છે. વિરોધી પાર્ટીમાં જોડાતા તેમના નેતાઓને જીતાડવા માટે તેમણે તે પાર્ટી સામે જ પ્રચાર કર્યો હોય છે. જો કે આ મોટા નેતાઓ કાર્યકરોની લાગણીની ચિંતા કર્યા વગર પક્ષ પલટો કરે ત્યારે કાર્યકરો પણ જાણે તેમની જાગીર હોય તેમ તેમનો પણ પક્ષપલટો કરાવતા હોય છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?