વડગામ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આવતીકાલે ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે ફરીવાર તેમને વડગામનું સુકાન સોંપ્યું છે ત્યારે તેઓ આવતીકાલે કોંગ્રેસના કનૈયા કુમારની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભરશે. વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ સત્તાવાર રીતે જાહેરાત કરીને જણાવ્યું હતું કે આવતીકાલે જાહેર સભાઓ બાદ જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે કોંગ્રેસ પક્ષમાંથી વડગામના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરશે.
આવતીકાલે મેવાણીનો શું છે પ્લાન?
આવતીકાલે સવારે નવ વાગ્યે જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે ભાંગરોડિયા ગામથી વડગામ સુધી બાઈક રેલી કરશે. ત્યાર બાદ સવારે દસ કલાકે જીગ્નેશ મેવાણી અને કનૈયા કુમારની વીજે સ્કૂલ ખાતે સભા યોજાવા જઈ રહી છે. સભા બાદ બપોરે દોઢ વાગ્યે જીગ્નેશ મેવાણી કનૈયા કુમાર સાથે મામલતદાર કચેરી ખાતે વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્ર ભરશે.
ભારત જોડો યાત્રામાં કનૈયા રાહુલ ગાંધી પછીનો સૌથી મોટો ચહેરો
ગઈકાલે કોંગ્રેસના 33 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. આ સાથે જ કોંગ્રેસના કુલ 144 ઉમેદવારો કોંગ્રેસે જાહેર કરી દીધા છે. કોંગ્રેસે વડગામથી જીગ્નેશ મેવાણીને ઉતારવાની જાહેરાત કરી દીધી છે. કનૈયા કુમારે ટૂંક સમય પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર પણ હાજરી આપી હતી. કનૈયા કુમારને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. જેથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જાહેરાત કરી હતી કે કનૈયા કુમારની લોકપ્રીયતા જોઈને લાગી રહ્યું છે કે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી પછીના સૌથી મોટા નેતા કનૈયા કુમાર છે. આથી જીગ્નેશ મેવાણી પોતાના પ્રચાર માટે કનૈયા કુમારના ચહેરાનો ઉપયોગ કરશે તેવું લાગી રહ્યું છે.