PMOના એડિશનલ ડાયરેક્ટર બની કાશ્મીરમાં ઝેડ પ્લસ સુરક્ષા અને સરકારી ખર્ચે તાગડધિન્ના કરતા પકડાયેલા મહાઠગ કિરણ પટેલનો મામલો આજે વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને જિજ્ઞેશ મેવાણી સહિતના ધારાસભ્યોએ કિરણ પટેલ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન ગૃહ વિભાગની માગણીઓની ચર્ચા દરમિયાન ભાજપના પૂર્વ નેતા અને ગૃહમંત્રી સ્વ. હરેન પંડ્યાનું નામ આવતા જ ગૃહમાં મામલો ગરમાયો હતો.
જિજ્ઞેશ મેવાણીની ટિપ્પણીથી ગૃહમાં હોબાળો
વિધાનસભામાં ગુજરાતના મહાઠગ કિરણ પટેલના મુદ્દે સરકારી કામગીરી સામે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલો કર્યા હતાં. આ દરમિયાન ભાજપના ધારાસભ્યો જીતુ વાઘાણી અને ઉદય કાનગડે સરકારનો બચાવ કર્યો હતો. આ દરમિયાન ઉદય કાનગડે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસનમાં મંત્રીની હત્યા થતી હતી. આ સાંભળી કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ તરત જ વેધક કોમેન્ટ કરી હતી કે હરેન પંડ્યાની હત્યા ભાજપના શાસનમાં થઈ હતી. જિજ્ઞેશ મેવાણીની આ ટિપ્પણીથી શાસક પક્ષ ભાજપના ધારાસભ્યો ઉશ્કેરાઈ ગયા હતા. મામલો વણસતો જોઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દરમિયાનગીરી કરતા અંતે હોબાળો શાંત થયો હતો.