આજકાલ એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાને ડાકણ સમજીને માર મારવામાં આવે છે. આવી જ ઘટના ભિલોડાના ગઢીયા ગામમાં બની છે. મહિલાને ડાકણના વહેમમાં તાલિબાની સજા આપવામાં આવી. જેઠ જેઠાણી દ્વારા મહિલાને ઢસેડવામાં આવી અને મહિલાને માર મારવામાં આવ્યો હતો. આ અંગે જ્યારે પોલીસને જાણ કરવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે પોલીસે ફરીયાદ લેવાની ના પાડી દીધી. જે બાદ રજૂઆત કરવા મહિલા મોડાસા SP ઓફિસ પહોંચી હતી.
ડાકણ કહીને મહિલા પર કરાયો અત્યાચાર
આપણે એકવીસમી સદીની વાતો કરીએ છીએ, સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ પરંતુ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે આપણને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો અરવલ્લીના ભિલોડાગઢીયા ગામમાં બન્યો હતો. મળતી માહિતી અનુસાર પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે મહિલા ભિલોડાના ગઢીયા ગામમાં રહેતી હતી. બસ ડ્રાઈવર હોવાને કારણે મહિલાના પતિ બહાર રહેતા હતા.
ડાકણ કહી જેઠ-જેઠાણીએ મહિલાને માર્યો માર
20 જાન્યુઆરીના રોજ મહિલાની બંને દીકરીઓ બહાર હતી તે દરમિયાન મહિલાના જેઠ-જેઠાણી અનેક લોકોને સાથે લઈને આવ્યા હતા. લાકડી તેમજ ધારિયા લઈને આવેલા લોકોએ ડાકણ તું ઘરની બહાર તેમ કહી ઘરની બહાર બોલાવી. મહિલા બહાર આવી તેને ઢસડીને લઈ ગયા હતા જેને કારણે તે નિર્વસ્ત્ર થઈ ગઈ. તે બાદ ગડદા-પાટુનો માર માર્યો તથા લાકડીથી ઢોર માર માર્યો હતો અને તેમના ઘરની ચોપાડની કુંભી સાથે બાંધી દીધી હતી.
પોલીસમાં ફરિયાદ કરાઈ પરંતુ કોઈ પગલા ન લેવાયા
દીકરી જ્યારે સ્કૂલેથી ઘરે પાછી આવી તો તેને આ ઘટનાની જાણ થઈ. દીકરીએ 108 અને પોલીસને આ ઘટનાની જાણ કરી અને ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવા ગઈ તો જમાદારે તેમની સહી લઈને કહી દીધું કે ફરિયાદ આવી ગઈ.
ન્યાય માટે મહિલાએ કરી મોડાસા SPને રજૂઆત
મહિલાની ફરિયાદ બાદ પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ઉપરાંત મહિલાને ધમકી આપવામાં આવી કે જો પોલીસમાં જઈશ તો તને નિર્વસ્ત્ર કરીને મારી તેમ તારી દીકરીઓની આબરૂ લૂંટીને તારા જેવી હાલત કરી નાખીશું.પોલીસ દ્વારા કોઈ પ્રકારના પગલા લેવામાં આવ્યા ન હતા. ઉપરાંત મહિલાને ધમકી મળી હતી પરંતુ હિમ્મત રાખીને મહિલાએ મોડાસા SP ઓફિસમાં જઈ રજૂઆત કરી હતી અને ન્યાય અપાવાની માગ કરી હતી.