જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડના સંસ્થાપક નરેશ ગોયલ પર કાનુનનો સકંજો કસાયો છે. કેનેરા બેંક સાથે છેતરપિંડીના આરોપી જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ શનિવારે 6 જાન્યુઆરીએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં હાજર કરાયા હતા. તેમણે કોર્ટને કહ્યું કે મેં જીવનની આશા ગુમાવી દીધી છે. મારી તબિયત બહુ લથડી ગઈ છે. સારું થશે કે હું જેલમાં જ મરી જાઉ. આટલું કહેતા કોર્ટમાં નરેશ ગોયલે જજ સામે હાથ જોડી દીધા હતા.
કોર્ટને કરી વિનવણી
નરેશ ગોયલ કોર્ટે વિનવણી કરતા વધુમાં કહ્યું કે હું મારી પત્ની અનિતાને ખૂબ જ મિસ કરું છું. તે કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે. આ પછી ન્યાયાધીશે કહ્યું કે તમને નિરાધાર નહીં છોડવામાં આવે. નરેશે સ્પેશિયલ જજ એમજી દેશપાંડે સમક્ષ પોતાની જામીન અરજી દાખલ કરી હતી. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી દરમિયાન તેમણે વ્યક્તિગત સુનાવણી માટે વિનંતી કરી હતી, જેને ન્યાયાધીશે સ્વીકારી હતી. ઉલ્લેખનિય છે કે ગોયલ પર કેનેરા બેંક સાથે 538 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગયા વર્ષે 1 સપ્ટેમ્બરે નરેશ ગોયલની કથિત બેંક છેતરપિંડીના સંબંધમાં ધરપકડ કરી હતી. તે હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.
સુનાવણી દરમિયાન જજે શું કહ્યું?
ન્યાયાધીશે કહ્યું કે 'મેં તેમની વાત ધ્યાનથી સાંભળી અને જ્યારે તેઓ પોતાની વાત જણાવી રહ્યા હતા ત્યારે તેમને ધ્યાનથી જોયા. મેં જોયું કે તેનું શરીર ધ્રૂજી રહ્યું હતું. તેમને ઊભા રહેવા માટે ટેકાની જરૂર છે. મેં નરેશ ગોયલની દરેક વાત પર ધ્યાન આપ્યું. મેં આરોપીને ખાતરી આપી હતી કે તેમને નિરાધાર નહીં છોડવામાં આવે. તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની દરેક શક્ય કાળજી લેવામાં આવશે અને તેને સારવાર આપવામાં આવશે.'
નરેશ ગોયલ પર રુપિયાની હેરાફેરીનો આરોપ
કેનેરા બેંકે આરોપ લગાવ્યો હતો કે જેટ એરવેઝના ફોરેન્સિક ઓડિટમાં જાણવા મળ્યું છે કે જેટે તેની સંલગ્ન કંપનીઓને 1,410.41 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે આવું કરવામાં આવ્યું હતું. ગોયલ પરિવારના અંગત ખર્ચ - જેમ કે સ્ટાફના પગાર, ફોન બિલ અને વાહન ખર્ચ - આ બધું જેટ એરવેઝમાંથી જ થતું હતું. ગોયલે 1993માં જેટ એરવેઝની સ્થાપના કરી હતી. 2019માં એરલાઇન ચેરમેન પદ છોડી દીધું હતું.
અર્સથી ફર્સ પર કેવી રીતે આવ્યા
નરેશ ગોયલે વર્ષ 1990ના દાયકાની શરૂઆતમાં, ટિકિટિંગ એજન્ટમાંથી ઉદ્યોગસાહસિક બનેલા જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડ શરૂ કરીને લોકોને એર ઈન્ડિયાનો વિકલ્પ આપ્યો. એક સમયે જેટ પાસે કુલ 120 વિમાનો હતા અને તે અગ્રણી એરલાઇન્સમાંની એક હતી.જ્યારે 'ધ જોય ઓફ ફ્લાઈંગ' ટેગ લાઈન ધરાવતી કંપની તેની પીક પર હતી ત્યારે તે દરરોજ 650 ફ્લાઈટ્સ ઓપરેટ કરતી હતી. જ્યારે કંપની બંધ થઈ ત્યારે તેની પાસે માત્ર 16 વિમાનો જ બચ્યા હતા. માર્ચ 2019 સુધીમાં કંપનીની ખોટ 5,535.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.