ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી નજીક આવતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે આવ્યા. આ બધા વચ્ચે ભાજપના નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ ગેહલોતની મુલાકાત કરવા પહોંચ્યા હતા. ચૂંટણી પહેલા તેમની આ મુલાકાત થવાને કારણે રાજકારણમાં નવા-જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે.
બંધબારણે બંને નેતાઓ વચ્ચે થઈ બેઠક
ચૂંટણી પંચ ગમે ત્યારે ગુજરાતની ચૂંટણી તારીખોનું એલાન કરી શકે છે. તે પહેલા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે મહેનત કરી રહી છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ આવી રહ્યા છે તો આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીએ કોંગ્રેસના પ્રચારની કમાન સંભાળી છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે તેમની મુલાકાત કરી હતી. ચૂંટણી પહેલા બંધબારણે બંને નેતાઓની મુલાકાત થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. એવી અટકળોએ જોર પકડ્યું છે જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
ચૂંટણી પહેલા અનેક નેતાઓ કરી રહ્યા છે પક્ષપલટો
અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બન્ને નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક થઈ હતી. જે બાદ જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પક્ષપલટો કરવાથી રાજકારણમાં સતત ગરમાવો આવતો રહે છે. અલ્પેશ કથિરીયા આપમાં જોડાવાના છે. અલ્પેશ કથિરીયાએ કહ્યું કે તેમને ભાજપ અને આપ દ્વારા પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રણો મળી રહ્યા હતા. જે બાદ તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.