જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. ગઈ કાલે ભારત આવેલા જાપાનના પીએમએ રાજઘાટ પહોંચી મહાત્મા ગાંધીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. તે ઉપરાંત અનેક મુદ્દાઓ પર હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી હતી. ફૂમિયો કિશિદાનો વડાપ્રધાન તરીકેનો આ બીજો પ્રવાસ છે. પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાનને ભેટ તરીકે ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટમાં આપવામાં આવી હતી.
ભારતીય વાનગીઓનો લીધો સ્વાદ!
ભારતના પ્રવાસ આવેલા વડાપ્રધાનના અનેક વીડિયો સામે આવ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન કિશિદાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં દિલ્હી પહોંચેલા કિશિદા પાર્કમાં પાણીપુરી ખાઈ રહ્યા છે. તે ઉપરાંત લસ્સી બનાવતા પણ તેઓ દેખાયા હતા અને આમ પન્નાનો સ્વાદ પણ માણ્યો હતો. વડાપ્રધાન મોદી અને ફુમિયોએ બુદ્ધ જયંતિ પાર્કમાં ચક્કર માર્યો હતો તે દરમિયાન બંને નેતાઓ વાતચીત કરતા દેખાયા હતા. મોદી અને કિશિદા પાર્કમાં ફર્યા અને પછી લાકડાની બેંચ પર બેઠા.
વિવિધ મુદ્દા પર થઈ મહત્વપૂર્ણ ચર્ચા!
હૈદરાબાદ હાઉસ ખાતે બંને નેતાઓની બેઠક થઈ હતી. વિવિધ મુદ્દાઓને લઈ નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. બંને દેશોએ ઈન્ડો પેસિફિક ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. જાપાનના પીએમએ કહ્યું કે મેં આજે પીએમ મોદીને હિરોશિમામાં યોજાનારી જી-7 સમિટ માટે આમંત્રણ આપ્યું છે જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે હું પીએમ કિશિદાનું ભારતમાં સ્વાગત કરું છું. એક વર્ષની અંદર તેમની સાથે મારી અનેક વખત મુલાકાત થઈ છે. આ દરમિયાન મને બંને દેશો વચ્ચેના સંબંધને લઈ પોઝિટિવિટી મહેસૂસ થઈ રહી છે. અમારો લક્ષ્ય બધાને સાથે લઈને ચાલવાનો છે.