''રક્ષક જ ભક્ષક બને તે સ્થિતિ ખુબ ચિંતાજનક છે'' આ શબ્દો હતા ગુજરાત પોલીસ માટે ગુજરાતની હાઈકોર્ટના, આ વિધાન ફરી એક વાર સાચું સાબિત થયું છે. જામનગરમાં જોડિયા તાલુકામાં- જ્યાં એક નાગરિકની જાતીય સતામણીમાં પોલીસની ભૂંડી ભુમીકા બહાર આવી છે, જોડિયા પોલીસ સ્ટેશનના PSI અને રાઇટર સહિતના લોકો તેમાં સામેલ હતા જોકે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.
PSI સહિતના પોલીસકર્મીઓ વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી
જામનગરના જોડિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રવિરાજસિંહ ગોહિલ અને તેના રાઈટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જયારે અન્ય ચાર પોલીસકર્મીઓની પોલીસ હેડકવાટર બદલી કરી દેવામાં આવ્યા- જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ આ પાછળ PSI સહિતનાએ જાતીય સતામણીમાં ભજવેલી ભૂમિકાને લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાનું કારણ જણાવ્યું છે .
જિલ્લા પોલીસવડાને કરવામાં આવી ફરિયાદ
જોડિયાના એક નાગરિકની ખોટી રીતે હેરાનગતી જાતીય સતામણી કરવામાં આવી હતી. PSI રવિરાજસિંહ ગોહિલે જાતીય સતામણી કરી જેતે ભોગગ્રસ્તને પરેશાન કર્યા હતા. જે બાબતની જીલ્લા પોલીસવડા સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને જોડિયા પોલીસ દફતરમાં ફરજ બજાવતા PSI આરડી ગોહિલ અને તેના રાઈટર રવિ મઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જયારે જોડિયા ટાઉન પોલીસ દફતરમાં જ ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નીકુલસિંહ વિક્રમસિંહ જાડેજા, ગીરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા અને ડ્રાઈવર કોન્સ્ટેબલ દીવ્યરાજસિંહ જટુભા જાડેજાની તાત્કાલિક અસરથી જીલ્લા પોલીસ હેડ ક્વાટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. જીલ્લા પોલીસવડાના આકરા પગલાથી પોલીસ બેડા સહીત જિલ્લાભરમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રક્ષક જ ભક્ષક બને ત્યારે...
આ બનાવ બાદ તપાસ ચાલી રહી છે, પણ સામાન્ય નાગરિક જ્યાં રક્ષણ મેળવવા આવે ત્યાં જ આવી ઘટના ફરી-ફરી બને તે ઘણા સવાલ ઉભા કરે છે. તેમની સામે કાર્યવાહી સસ્પેન્ડ અને બદલી પૂરતી જ રહેશે કે વધુ કઈ એક્શન લેવામાં આવશે? કે પછી ફરી અદાલતે સ્વતઃ સંજ્ઞાન લેવું પડશે અને પોલીસને ટકોર કરવી પડશે તે જોવું રહ્યું.