દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. અનેક ક્ષેત્રો એવા છે જ્યાં દીકરીઓનું પ્રદર્શન ગૌરવ અપાવે તેવું છે. કદાચ એવું એક પણ ક્ષેત્ર નહીં હોય જ્યાં મહિલાઓનું યોગદાન નહીં હોય. ત્યારે આજે એક એવી દીકરીની વાત કરવી છે જેની પંસદગી નેશનલ ટીમમાં થઈ છે. રાષ્ટ્રીય કક્ષા ફૂટબોલની સ્પર્ધા 6-1-2023થી 11-1-2023 સુધી પંજાબના લુધીયાણા ખાતે યોજાવાની છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા ફૂટબોલ રમતના ખેલાડી બહેનોના પ્રિ-નેશનલ કોચિંગ કેમ્પનું આયોજન સાબર સ્ટેડિયમ ભોલેશ્વર ખાતે કરવામાં આવ્યું છે જેમાં નેશનલ ટીમમાં આહીર સમાજનું ગૌરવ એવા જામનગરના આહિર સમાજના એક માત્ર દીકરી બંસી ચોંચાની પસંદગી નેશનલ ટીમમાં કરવામાં આવી છે.
બંસી ચોચા પર આહીર સમાજને છે ગર્વ!
અનેક એવા સમાજ છે જે દીકરીઓને પ્રોત્સાહન આપે છે આગળ વધવા માટે. ત્યારે આહીર સમાજની આ પ્રથમ દીકરી છે જેની પસંદગી ફૂટબોલ નેશનલની ટીમમાં કરાઈ છે. નેશનલ ટીમમાં પ્રવેશ મેળવવા માટે અનેક વર્ષો સુધી પ્રેક્ટિસ કરી અને સતત પુરૂષાર્થ કર્યો. નેશનલ ટીમમાં સ્થાન મળવાથી બંસી ચોચા હવે ચોચા પરિવારનો તેમજ સમસ્ત આહિર સમાજ માટે ગૌરવ બની ગઈ છે. ઉલ્લેખનિય છે કે જામનગરનો સ્પોર્ટ્સ સાથે જૂનો નાતો રહેલો છે. ત્યારે હવે બંસી ચોચાએ નેશનલ ફૂટબોલ ટીમમાં સ્થાન મેળ્યું છે.
પોતાની મહેનત અને લગનથી નેશનલ ટીમમાં મેળવ્યું સ્થાન
કહેવાય છેને જો સાચી ધગસ હોય અને તેના માટે દિલથી પરિશ્રમ કરવામાં આવે તો તેનું પરિણામ અવશ્ય મળે છે તેનું આ ઉદાહરણ છે. સાતમા ધોરણથી આ દીકરી ફૂટબોલનો અભ્યાસ કરી રહી હતી. ફૂટબોલની પ્રેક્ટિસની શરૂઆત કરતા આ દીકરીએ આજે પોતાની મહેનત , પોતાના આત્મવિશ્વાસ અને પરિવારના સહયોગથી આજે નેશનલ લેવલે સ્થાન મેળવ્યું છે. અનેક વખત રાજ્ય સ્તરે ફૂટબોલની ટીમમાં રાજ્ય સરકાર તરફથી ફૂટબોલની ટીમમાં કાબિલે દાદ ખેલ ખેલીને રાજ્ય સરકાર તેમજ આહીર સમાજનું ગૌરવ વધાર્યું છે. પોતાની મહેનત અને આત્મવિશ્વાસને કારણે દીકરીએ નેશનલ ટીમમાં સ્થાન મેળવ્યું છે.