પોતાની માગ સરકારના કાન સુધી પહોંચે તે માટે અનેક લોકો સરકારી કચેરી બહાર ધરણા કરવા બેસતા હોય છે. વિવિધ પ્રશ્નોને લઈ તેમજ પોતાની માગ, પોતાને થતી સમસ્યાને લઈ ધરણા અથવા તો વિરોધ પ્રદર્શન કરતા હોય છે. ત્યારે જામનગર અધિક કલેક્ટર દ્વારા કલમ 144નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાની પોલીસ અધિક્ષકની કચેરી, વિભાગીય અધિકારીની કચેરી, સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરી તથા પોલીસ સ્ટેશનો અને અન્ય પોલીસ વિભાગની શાખા તેમજ કચેરીઓ આવેલી છે. જે કચેરી, શાખા, પોલિસ સ્ટેશન ખાતે આંદોલન, વિરોધ, ઉપવાસ નહીં કરી શકે. જો ધરણા કરવા કચેરી લોકો પહોંચશે તો કલમ 144 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
100 મીટરની અંદર લોકો નહીં કરી શકે આંદોલન
લોકો પોતાની માગ ન સંતોષાય તો સરકારી કચેરી બહાર મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ કરતા હોય છે, ધરણા,ઉપવાસ કરતા હોય છે. લોકો સૂત્રોચ્ચાર કરતા હોય છે અથવા તો સરઘષ કાઢતા હોય છે. ત્યારે જામનગર અધિક કલેકટરે કલમ 144 નું જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સરકારી કચેરી બહાર લોકો ધરણા, વિરોધ પ્રદર્શન નહીં કરી શકે. મહાનગરપાલિકાની તેમજ અન્ય વિભાગીય કચેરીઓની 100 મીટરની અંદર આવેલા વિસ્તારમાં આંદોલન,ઉપવાસ કે ધરણાં પર બેસવા પર રોક લગાવી દીધી છે. જાહેરનામા મુજબ, જામનગર જિલ્લામાં આવેલી પોલીસ વિભાગની તમામ શાખા/ કચેરીના પરિસરના 100 મીટરના વિસ્તારમાં આંદોલન, ઉપવાસ, ધરણા પર બેસવા કે આવી કોઈ પ્રવૃતિ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પરિસરમાં આંદોલન થવાને કારણે કામગીરી પર પડે છે અસર
આ જાહેરનામા અંગે જ્યારે કલેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અવાજને કારણે તેમના કામ પર અસર થતી હોય છે. ધરણા, વિરોધ તેમજ મોટી સંખ્યામાં એકત્રિત થતાં લોકોને કારણે કામ પર અસર પડે છે જેને કારણે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે અનેક વખત સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો સરકારી કચેરીને ઘેરતા હોય છે. ત્યારે આ જાહેરનામાને કારણે લોકો સરકારી કચેરીનો ઘેરાવો નહીં કરી શકે.