હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવવા જાણે સામાન્ય થઈ ગયા હોય તેવું લાગે છે. કોરોના બાદ તો હાર્ટ એટેકના કિસ્સાઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી ગયું છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ત્યારે વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો જામનગરથી સામે આવ્યો છે. જેમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. જે યુવકનું મોત થયું છે તે પટેલ પાર્ક વિસ્તારમાં આવેલા ગરબા ક્લાસમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ગરબાની પ્રેક્ટિસ દરમિયાન આ ઘટના બની. અચાનક યુવકના નિધનથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મૃતકનું નામ વિનીત કુંવરીયા છે.
ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને આવ્યો હાર્ટ એટેક
નવરાત્રીની શરૂઆત થોડા સમય બાદ થવાની છે. નવરાત્રીમાં ગરબાને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. ગરબાની પ્રેક્ટિસ માટે લોકો ગરબાના ક્લાસીસમાં જતા હોય છે. નવરાત્રીની ઉજવણી ધામધૂમથી કરવા માટે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. પરંતુ આ પ્રેક્ટિસ અનેક લોકો માટે આખરી બનતી હોય છે. થોડા સમય પહેલા રાજકોટથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું ત્યારે ફરી હાર્ટ એટેકનો કિસ્સો જામનગરથી સામે આવ્યો છે.
અનેક લોકોના મોત થયા છે હાર્ટ એટેકને કારણે
મહત્વનું છે કે અનેક કિસ્સાઓ હાર્ટ એટેકના સામે આવી રહ્યા છે. સાજો દેખતો માણસ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ નથી હોતી. થોડા સમય પહેલા રાજકોટમાં 24 કલાકની અંદર ત્રણ જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. ચગડોળમાં બેઠેલી મહિલા કાળનો કોળિયો બની ગઈ હતી. મહત્વનું છે કે આવા કિસ્સાઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીના કાર્યક્રમમાં 25 વર્ષીય યુવકનું નિધન હાર્ટ એટેકને કારણે થઈ ગયું.
શું છે હાર્ટ એટેક આવવાના લક્ષણો?
હાર્ટ એટેકના લક્ષણોની વાત કરીએ તો છાતીમાં ભારેપણું લાગે છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ શ્વાસ લેવાની તકલીફ પડવી. એક કે બે માળની સિડીઓ ચઢો અને ઉતરો તો શ્વાસ લેવામાં તકલીફ પડે. અનેક કિસ્સાઓમાં ચક્કર આવવા અથવા તો ગભરામણ થવી પણ બનતું હોય છે. આ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જો આવું થાય તો ડોક્ટરનો સંપર્ક તરત કરવો જોઈએ. કોઈ વખત એવું પણ થાય કે ખાધા પછી ગળામાં બળતરા શરૂ થઈ જાય. દિવસ દરમિયાન જ્યારે પણ તમે કંઇક ખાઓ ત્યારે પણ આ અનુભવી શકાય છે. આ પણ હૃદય હુમલાનું લક્ષણ હોઈ શકે છે.