રાજ્યમાં બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાઓ વધી રહી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં બે વર્ષનું બાળક પડી જતા હાહાકાર મચ્યો છે. બે વર્ષનું બાળક 15 થી 20 ફૂટ ઊંડા બોરમાં ફસાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખેતમજૂરનું બે વર્ષનું બાળક સાંજના સમયે ખેતરમાં રમતા રમતા બોરમાં પડી જતા જ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક જામનગર ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરી હતી. સાંજે 6 કલાક આસપાસ આ બનાવ બન્યો હતો. બાળક બોરવેલમાં પડવાના સમાચાર મળતા તંત્ર પણ દોડતું થયું છે. જામનગરથી ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે.
રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામે એક વાડીના બોરવેલમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં પડી જતાં દોડધામ મચી છે. જામનગરથી ફાયરબ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. ફાયરની ટીમ દ્વારા હાલ બાળકને કૃત્રિમ રીતે ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને બોરવેલની નજીકમાં જ જેસીબીની મદદથી ખાડો પણ ખોદવાની શરૂઆત કરવામાં આવી છે. બાળક બોરવેલમાં પડ્યું હોવાની માહિતી મળ્યા બાદ સ્થાનિક અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. બાળકના રડવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.
ધારાસભ્ય હેમંત ખવાએ આપી માહિતી
બોરવેલમાં બાળક પડી જવાની ઘટના અંગે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં અઢી વર્ષનું બાળક પડ્યાની જાણ થઈ છે. સ્થાનિક તંત્ર બાળકને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યું છે. મેં મારા પ્રયાસથી એક રોબર્ટ તાત્કાલિક પહોંચે તેવા પ્રયાસ કર્યા છે. અમરેલીથી એક રોબોટ પણ બાળકને બહાર કાઢવા પહોંચી રહ્યો છે. NDRFનો સંપર્ક કરતા તેને 5 કલાક જેટલો સમય લાગશે.