આપણે ત્યાં અનેક એવી ઘટનાઓ થાય છે જે વારંવાર ઘટે છે પરંતુ તેમાંથી આપણે બોધપાઠ લેતા નથી! જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે તેની પર વિચારીએ છીએ કે આવી ઘટનાઓ ના થવી જોઈએ. થોડા સમય માટે એકદમ એક્ટિવ થઈ કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ થોડો સમય વિત્યા પછી પરિસ્થિતિ ત્યાંની ત્યાં આવીને ઉભી રહી જાય છે. આ વાત અમે જામનગરથી સામે આવેલી ઘટના પરથી કહી રહ્યા છીએ. રાજ્યમાં બોરવેલમાં બાળકો ફસાવાની ઘટનાઓ વધી રહી છે. ગઈકાલે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બે વર્ષનું બાળક ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. કલાકો સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી અને અંતે બાળકને બહાર કાઢવામાં સફળતા મળી.
બોરવેલમાં ફસાયું હતું બે વર્ષનું બાળક
અનેક જગ્યાઓ પર બોરવેલ ખોદવામાં આવે છે. બોરવેલ ખોદવામાં તો આવે છે પરંતુ તેને બંધ કરવાની તસ્દી લેવામાં આવતી નથી જેને કારણે બાળકો બોરવેલની અંદર ફસાઈ જતા હોય છે. આવી ઘટનાઓ રાજ્યમાં બનવી સામાન્ય થઈ ગઈ છે તેવું લાગે છે. ગઈકાલે 2 વર્ષનું બાળક બોરવેલમાં ફસાઈ ગયું હતું. બાળકનો જીવ બચાવવા માટે પ્રયત્નો શરૂ કરાયા હતા. બે વર્ષનું બાળક 15 થી 20 ફૂટ ઊંડા બોરમાં ફસાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખેતમજૂરનું બે વર્ષનું બાળક સાંજના સમયે ખેતરમાં રમતા રમતા બોરમાં પડી જતા જ પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક જામનગર ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરી હતી. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી અને બાળકને બચાવવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.
મોડી રાત્રે બાળકને બહાર કાઢવામાં મળી સફળતા
બાળકનો જીવ બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ તંત્રને કરાતા તાત્કાલિક NDRF અને રોબોટની પણ મદદ લેવામાં આવી હતી. બાળકને ઓક્સિજનની કમી ન પડે તે માટે ઓક્સિજન પણ અપાયો હતો. વિવિધ ટીમોના સભ્યોએ બાળકને બચાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા અને અંતે તેમના પ્રયાસો રંગ લાવ્યા અને બાળકનો જીવ બચી ગયો. બાળકને બહાર કાઢવામાં આવતા રેસ્ક્યુની કામગીરી કરી રહેલી ટીમે તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સારવાર અર્થે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મહત્વનું છે કે આવી ઘટનાઓ ફરી ના બને તેનું ધ્યાન રાખવું જોઈએ.