કોંગ્રેસ છોડનારા ગુલામ નબી આઝાદ પાર્ટીને સતત ઝટકા આપી રહ્યા છે. આઝાદના સમર્થનમાં મંગળવારે જમ્મુ કાશ્મીર કોંગ્રેસમાંથી 65 નેતાઓએ રાજીનામા આપ્યા છે. આ નેતાઓમાં પૂર્વ ડેપ્યુટી સીએમ તારા ચંદનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત પુર્વ મંત્રી અબ્દુલ માજીદ વાની, મનોહર લાલ શર્મા, ગારૂ રામ અને બલવાન સિંહે પણ રાજીનામું આપ્યું હતુ. રાજીનામાં બાદ મિડીયા સાથે વાત કરતા બલવાન સિંહે કહ્યું કે આજે અમે પાર્ટી છોડી દીધી છે અને અમે ગુલામ નબી આઝાદના સમર્થનમાં આ નિર્ણય લીધો છે.
આ નેતાઓએ સંયુક્તપણે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કોંગ્રેસ પર સતત અવહેલના અને અપમાનજનક વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તારા ચંદે કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈનું સાંભળતી નથી. જે પ્રોજેક્ટ લોકો સુધી પહોંચવાનો હતો તે પાર્ટી કરી શકી નથી. આઝાદના સમર્થનમાં રાજીનામુ આપી ચુકેલા કોંગ્રેસના બળવાખોર નેતાઓએ જમ્મુ-કશ્મીરના ઉત્તમ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
આ પહેલા જમ્મુ કાશ્મીર વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ ગુલામ હૈદર મલિક સહિત કોંગ્રેસના 4 નેતાઓ તેમજ પાર્ટીના 12 પ્રમુખ કાર્યકર્તાઓએ પણ કોંગ્રેસનો સાથ છોડવાનું એલાન કરી દીધું છે. આ તમામ લોકોના રાજીનામાથી એક વાત સામે આવી છે કે,મોટાભાગના નેતાઓ ગુલામ નબીના સમર્થનમાં છે.જે ખુદ પોતાની પાર્ટી બનાવવાનું એલાન કરી ચૂક્યા છે.