વરસાદ ટૂંક સમયમાં ગુજરાતમાંથી વિરામ લઈ લેવાનો છે. ચોમાસાની સિઝન પૂર્ણ થવાને આરે છે. સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ વરસ્યો હતો. ઓગસ્ટ મહિનામાં તો વરસાદ વરસ્યો ન હતો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી દીધી હતી. અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદ જતા જતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરતો જશે.
કોઈક જગ્યાઓ પર જ વરસી શકે છે છુટો છવાયો વરસાદ
ગુજરાતમાં વરસાદે સપ્ટેમ્બર મહિનામાં ધબધબાટી બોલાવી હતી. રાજ્યમાં સરેરાશ 100 ટકા વરસાદ પૂર્ણ થઈ ગયો છે પરંતુ અનેક જિલ્લાઓ એવા નોંધાયા છે જ્યાં વરસાદની ઘટ હોય. ગાંધીનગર તેમજ અમદાવાદનું નામ આ લિસ્ટમાં હતું. ત્યારે હવે ગુજરાતમાં વરસાદ વિરામ લેવાને આરે છે. થોડા દિવસો પછી ચોમાસાની સિઝન પૂર્ણ થઈ જશે. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વરસાદ નહીં વરસે. કોઈ એકાદ જગ્યા પર છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ કેટલીક જગ્યાઓ પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.
નવરાત્રી દરમિયાન આવશે વરસાદ - અંબાલાલ પટેલ
હવામાન વિભાગના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં વરસાદની શક્યતા નહીંવત છે. અમદાવાદમાં સામાન્ય 34થી 36 તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ચોમાસાની વિદાય અંગે આગાહી કરી હતી. વરસાદના વિદાયને લઈ તો આગાહી કરી છે પરંતુ સાથે સાથે ગરમીનું પ્રમાણ પણ વધશે તેવી વાત પણ તેમણે કહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં આ સમયમાં વરસાદ પડે તેવી શક્યતા છે. સાથે સાથે એવી પણ આગાહી કરી કે ઓક્ટોબર મહિનામાં એટલે કે નવરાત્રીના સમય દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જામશે.
ક્યાં કેટલો વરસાદ પડ્યો?
જો રાજ્યમાં પડેલા વરસાદની વાત કરીએ 69 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 144 તાલુકા એવા છે જે 20થી 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 10થી 20 ઈંચ વરસાદ વરસ્યો હોય તેવા 38 તાલુકાઓ છે. એવી પણ માહિતી સામે આવી છે કે આખી સિઝન દરમિયાન 10 ઈંચથી ઓછો વરસાદ કોઈ પણ તાલુકામાં નથી વરસ્યો.