દેશમાં તેમજ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં એક બે દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ અનુમાન લગાવવામાં આવે છે. કયા જિલ્લામાં વરસાદ થશે ઉપરાંત કેટલો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવે છે. જો કોઈ જગ્યાએ વધારે વરસાદ થવાનો હોય તો હવામાન વિભાગ ઓરેન્જ, રેડ તેમજ યેલો એલર્ટ જાહેર કરે છે. ત્યારે આગામી દિવસો માટે હવામાન વિભાગે આગાહી કરી છે.
અનેક જિલ્લાઓમાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ
હવામાન વિભાગે આજ માટે એટલે કે 13 જુલાઈ માટે આગાહી કરી છે જે મુજબ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર રાજકોટ અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જુલાઈ માટે કરવામાં આવેલી આગાહી મુજબ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં થોડાક સ્થળોએ વરસાદ થઈ શકે છે.
15 જુલાઈ બાદ ગુજરાતમાં થશે સાવર્ત્રિક વરસાદ
વરસાદી માહોલ 15 જુલાઈએ પણ યથાવત જોવા મળી શકે છે. 15 તારીખ બાદ સમગ્ર રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ, સોરાષ્ટ્ર-કચ્છ અને દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં થોડાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. 16 જુલાઈના રોજ ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અને દીવમાં થોડાક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
18 જુલાઈ માટે પણ કરાઈ છે વરસાદની આગાહી
17 જુલાઈએ પણ વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે. ગુજરાતના તમામ જિલ્લામાં અને દમણ દાદરા નગર હવેલીના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગર્જના સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અને દીવમાં થોડાક સ્થળોએ વરસાદ પડી શકે છે. તે ઉપરાંત દમણ દાદરાનગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં અને દીવ દમણની ઘણી જગ્યાએ 18 જુલાઈએ વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ કરી આગાહી
મહત્વનું છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ કંઈક આવી જ આગાહી કરવામાં આવી છે. 15 જુલાઈ બાદ વરસાદ ગુજરાતને ધમરોળશે. 15 જુલાઈ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેશે, ત્યારબાદ 15થી 20 જુલાઈમાં મધ્ય ગુજરાત ઉતર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 18થી 20 જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમ વધુ મજબુત બની દેશાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આપશે. ઉલ્લેખનિય છે કે સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો છે. ચોમાસું ભલે મોડું આવ્યું પરંતુ ધોધમાર વરસાદ લઈને આવ્યું.