જગતનો તાત કોઈ વખત વધારે વરસાદ પડવાને કારણે ચિંતિત હોય છે તો કોઈ વખત વરસાદ ન થવાને કારણે ચિંતિત હોય છે. જો વધારે વરસાદ થાય છે તો પણ અને જો વરસાદ નથી થતો તો પણ નુકસાન તો ખેડૂતોને જ ભોગવવાનો વારો આવે છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં તો મેઘરાજા જાણે રિસાઈ ગયા હોય તેવું લાગતું હતું. ઓગસ્ટ મહિનો કોરો ગયો હતો ત્યારે અડધો સપ્ટેમ્બર મહિનો પણ કોરો જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. 7 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના નહીંવત દર્શાવવામાં આવી છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોને પાકનું ટેન્શન થઈ રહ્યું છે. પાક નિષ્ફળ જશે તેવો ડર જગતના તાતને સતાવી રહ્યો છે.
ઓગસ્ટ સાબિત થયો હતો કોરો મહિનો
ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે. પરંતુ ખેતી સંપૂર્ણ રીતે વરસાદ પર નિર્ભર કરે છે. પરંતુ આ વખતે ચોમાસાએ પોતાની સિસ્ટમ બદલી હોય તેવું લાગે છે. જુલાઈ દરમિયાન એટલો મૂશળાધાર વરસાદ થયો હતો પરંતુ તે બાદ ઓગસ્ટ મહિનો આખો કોરો સાબિત થયો. સપ્ટેમ્બરમાં પણ ચોમાસાની આવી જ સ્થિતિ રહેશે તેવું અનુમાન તેવી આગાહી કરવામાં આવી છે. 7 સપ્ટેમ્બર સુધી એવી કોઈ સિસ્ટમ નથી બની રહી જેને કારણે વરસાદ આવી શકે છે. 7 તારીખ બાદ ગુજરાતના થોડા વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. ઓગસ્ટમાં 90 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
7 સપ્ટેમ્બર બાદ અહીંયા વરસી શકે છે વરસાદ
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જે મુજબ આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદ થશે તેવી સંભાવના નહીંવત છે. આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં વરસાદ ન વરસે તેવી આગાહી કરી છે. 7 સપ્ટેમ્બર બાદ સાઉથ ગુજરાતના અનેક ભગોમાં હળવા વરસાદને લઈ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, ડાંગ, દમણના અમુક ભાગોમાં વરસાદ વરસી શકે છે. કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે હાલ વરસાદની સંભાવના નથી.