સ્થળ - બનાસકાંઠાનું તાલેપુરા ગામ
સમય - સવારે 11 કલાકે
જમાવટની ટીમ જેવી ત્યાં પહોંચી તો જોયું કે આખુ ગામ પોતાની સમસ્યાઓ સાથે ભેગુ થયું હતુ, ચારેય બાજુ સફેદ પાઘડી પહેરેલી ભેગી થયેલી ઘરડી આંખો અમારી પાસે સમસ્યાના સમાધાનની અપેક્ષા સાથે પંચાયત પર એકઠી થઈ હતી, પંચાયતઘરની અંદર જતાની સાથે એમણે સમસ્યા વર્ણવી
શું હતો તાલેપુરાનો પ્રશ્ન?
તાલેપુરાના પાડોશી ગામમાં શીપુ નદીમાંથી ખનનની પરવાનગી આપેલી હતી, એ નદીમાંથી ટ્રકને આગળ નીકળવાનો રસ્તો પણ હતો, પણ એ રસ્તે ટોલટેક્સ ભરવો પડતો હોવાથી ટ્રકના ડ્રાઈવર સીધા તાલેપુરા ગામમાંથી નીકળી જતા, એમાં પ્રશ્નો અનેક ઉદભવ્યા, સૌથી પહેલા તો એમણે પંચાયતની પરવાનગી માગ્યા વગર ગામની ગૌચરની જમીનમાંથી રસ્તો ખોદી નાખ્યો, બીજુ રાજસ્થાનથી આવતા ડ્રાઈવર દારૂ પીને વાહન ચલાવતા હોવાથી અકસ્માતો થવા લાગ્યા, જે રસ્તે ડમ્પર જતા એ જ રસ્તા પર પ્રાથમીક શાળા, નંદઘર વગેરે હોવાથી સમસ્યાઓ થઈ અને ડમ્પર વાળા ગામની છોકરીઓને હેરાન કરતા હોવાથી છોકરીઓએ ભણવા જવાનું બંધ કરી દીધું, ગામની એક છોકરીને ડમ્પર વાળો ભગાડી પણ ગયો, એ બાપે જ્યારે અમારી આગળ પોતાની દિકરી સાથે થયેલી ઘટના વર્ણવી તો એમની આંખના ખુણા ભીના થઈ ગયા હતા, આવી અનેક ફરીયાદોને અંતે જ્યારે ગામની પંચાયતે પોતાની ફરીયાદ પોલીસ અને મામલતદાર કચેરીને કરી તો એમણે પહેલી નજરે ફરીયાદ તો લીધી પરંતુ કોઈ પગલા ના લેવામાં આવ્યા. ઉપરથી લીઝધારકે ગામના 11લોકોના નામ સાથે તંત્રને અરજી આપી દીધી. ગામના લોકોએ જેમ-તેમ રસ્તો તો બંધ કરાવ્યો પણ એમને લાગ્યું કે એમને દબાવવા માટે હવે તંત્રનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
જમાવટ સાથે ગામના લોકો ડીસા પોલીસ કચેરી અને ડે.કલેક્ટર પાસે પહોંચ્યા
ગામના લોકો સાથે એ પંથકમાં ચાલીને ગયા પછી, સમસ્યા રૂબરુ જોયા પછી આ વાત માત્ર સ્ટોરી તરીકે દર્શકો સામે રજૂ કરી દેવાથી કદાચ પ્રશ્નનું પુરુ નિરાકરણ ના પણ આવે, એટલે ગામના લોકો સાથે અમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા, ઈન્સ્પેક્ટરને મળ્યા તો એમણે મૌખીક બાંહેધરી આપી કે અરજી આવી છે પણ સત્ય શું એ અમને ખબર જ છે, પોલીસે ચેક પણ કરેલું છે એટલે ગામના 11લોકો પર કાર્યવાહીનો કોઈ અર્થ નથી રહેતો, ટ્રેસપાસીંગનો ગુનો કેમ દાખલ નથી કરાયો એવું પુછ્યું તો એમણે કહ્યું એ આખો રેવન્યુ વિભાગનો મામલો હોવાથી એમને નિર્દેશ આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે. આ જ વાત લઈને અમે ડે.કલેક્ટર પાસે પહોંચ્યા તો એમણે પણ શાંતિથી આખી રજૂઆતને સાંભળ્યા પછી કહ્યું કે ભુસ્તરવિભાગના અધિકારીને આખી તપાસ સોંપી દેવાઈ છે અને ટ્રક ત્યાંથી પસાર નહીં કરવા દેવામાં આવે, અરજી સામે પણ ગામ લોકો પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. ગામના લોકોને હાશકારો થયો.
ગેરકાયદેસર ખનન કચ્છની જેમ જ બનાસકાંઠાની પણ મોટી સમસ્યા
આ પ્રદેશ એમપણ પાણી માટે સંઘર્ષ કરે છે, બુંદ-બુંદ માટે ગામડા તરસે છે, ખેડૂતોની ફરીયાદ છે કે બેફામ ખનનના કારણે મોટાભાગની રેતી કાઢી લેવાતા પાણીના તળ ઉંડા જતા રહ્યા છે તો પણ કહેવાતા વિકાસ અને અમુક રૂપિયાના ભોગે આ બધા જ કામો ગેરકાયદેસર અને સતત ચાલી રહ્યા છે. પાણી ગુમાવી દીધા પછી એની કદર સમજેલા વિસ્તારોને જોઈને આ સમસ્યાની ગંભીરતા સમજવી પડશે. અતિશય ખનન નુકસાન સિવાય કશું જ નથી આપતું. તાલેપુરાની સમસ્યા તો દુર કરવામાં અમે માધ્યમ બની શક્યા છીએ પણ આવા હજારો ગામો આ જ પ્રકારની સમસ્યાઓથી ગ્રસીત છે, જમાવટ દરેક જગ્યાએ પહોંચે કે ના પહોંચે પણ ગામના લોકો લડત આપશે તો સમસ્યા સમાધાન સુધી 100ટકા પહોંચશે.