ગુજરાતમાં અનેક પરીક્ષા એવી છે જેના પેપર ફટ્યા છે. પેપર ફૂટવાને કારણે અનેક વિદ્યાર્થીના કેરિયર પર અસર પડતી હોય છે. ત્યારે હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે જેમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરેલી વિવિધ ભરતી કૌભાંડમાં 6, અને ગુજરાત યુનિવર્સિટીના નર્સિંગ ઉત્તરવહી કૌભાંડમાં હજુ 22 આરોપી પકડાવવાના બાકી છે. પ્રશ્ન પૂછતી વખતે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે સારૂં થયું ભરતીની જવાબદારી પ્રામાણિક અધિકારીને સોંપી નહીંતો પ્રશ્નપત્ર ફૂટવાનો રેકોર્ડ સર્જાયો હતો. ઋષિકેશ પટેલ દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી કે 1680 જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે.
ઉત્તરાખંડમાં વણસી પરિસ્થિતિ!
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હલ્દવાનીના બાનભૂલપુરામાં ગેરકાયદે બાંધકામ હટાવવા દરમિયાન પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલાની અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. આ સાથે જ હલ્દવાનીમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુરુવારે સ્થાનિક બનભૂલપુરાના મલિક કા બગીચા વિસ્તારમાં સરકારી જમીન પર બનેલા મદરેસા અને મસ્જિદને તોડવા માટે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર ભૂ-માફિયાના લોકોએ હુમલો કર્યો હતો અને પોલીસ સ્ટેશનને સળગાવી દીધું હતું. ત્યારથી આ વિસ્તારમાં તણાવ છે અને પ્રશાસને કર્ફ્યુ લગાવી દીધો છે અને બજારો બંધ કરી દીધા છે.
સંસદનો ઘેરાવો કરવાના મૂડમાં ખેડૂતો!
ખેડૂતો ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ગઈકાલે સંસદનો ઘેરાવો કરવાના હતા. ખેડૂત સંગઠનોની દિલ્હી તરફ કૂચની જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે અને તેમને રોકવા માટે પોલીસે શંભુ ટોલ પ્લાઝા પાસે તમામ વ્યવસ્થા કરી દીધી છે. અંબાલામાં ફરી એકવાર ખેડૂતો અને પોલીસ સામસામે આવી શકે છે. ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચની જાહેરાત કરી છે. આ માટે ઘણી બેઠકો યોજાઈ હતી. આ સાથે જ ખેડૂતોએ સામાન્ય લોકોને પણ તેમના આંદોલનમાં ભાગ લેવાની અપીલ કરી છે. જો કે, હજુ સુધી ખેડૂતોને વિરોધ કરવાની કોઈ મંજૂરી નથી. ખેડૂત સંગઠનોની જાહેરાત બાદ પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં સુરક્ષાને લઈને એજન્સીઓ એલર્ટ પર છે. ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી છે; પરંતુ તે પહેલા જ તેમને રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે અને હરિયાણા સરકારે 13મી ફેબ્રુઆરીએ યોજાનારી વિરોધ રેલી વગેરેને રોકવા માટે કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી છે.
મોદી સરકારના શ્વેત પત્ર સામે કોંગ્રેસનો બ્લેક પત્ર!
કોંગ્રેસે મોદી સરકારની નિષ્ફળતાઓને બતાવતું એક બ્લેક પેપર જાહેર કર્યું છે. કોંગ્રેસે પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સામે બ્લેક પેપર જાહેર કર્યું જેમાં મોંઘવારી, બેરોજગારી, સામાજીક ન્યાય, ખેડૂતો અને અન્ય વિષયો પર સરકારની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કર્યો છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે આ બ્લેક પેપર જાહેર કર્યું , પાર્ટીએ તેને '10 વર્ષનો અન્યાય કાળ' નામ આપ્યું છે. કોંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર પર તેની નિષ્ફળતાઓને છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.
ઉદ્ધવ જૂથના નેતા પર થઈ ગોળીબારી, સારવાર દરમિયાન થયું મોત!
થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં ગોળી મારવાની ઘટના સામે આવી હતી. નેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આવી જ એક ઘટના ગઈકાલે ફરી બની હતી. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકરની ગુરૂવાર સાંજે ગોળી મારીને હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર આરોપીએ પોતાને ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટના ફેસબુક લાઈવ દરમિયાન થઈ હતી. આ ઘટના મુંબઈના દહિસર વિસ્તારમાં બની હતી. એવી માહિતી સામે આવી છે કે આ હુમલામાં અભિષેક ઘોસાલકરને ત્રણ ગોળી વાગી છે. સારવાર હેઠળ જ્યારે નેતા હતા તે વખતે તેમનું નિધન થઈ ગયું છે અને તેવી માહિતી સામે આવી છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા.