વર્લ્ડ કપની મેચોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની અનેક મેચો રમાવાની છે. ચોમાસાની વિદાય લેતા અમદાવાદ સહિત અનેક શહેરોમાં રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુ, મલેરિયા સહિતના રોગચાળાના કેસ સતત સામે આવી રહ્યા છે. ત્યારે ભારતીય ટીમના ખેલાડી જે વર્લ્ડ કપમાં રમવાના હતા તેમને ડેન્ગ્યુ થઈ ગયો છે. 8 ઓક્ટોબરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ યોજાવાની છે. ત્યારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઓપનર બેટ્સમેન શુભમન ગિલનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ત્યારે ભારતીય ટીમની પ્રથમ મેચમાં તેમનું રમવું થોડું મુશ્કેલ છે.

બેવડી ઋતુનો લોકોને થતો અહેસાસ
ગુજરાતમાંથી વરસાદે વિરામ લઈ લીધો છે. વરસાદે ભલે વિદાય લીધી હતી પરંતુ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અનેક શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો હતો. ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો હતો પરંતુ હવે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે તાપમાનનો પારો ગગડે છે પરંતુ દિવસ દરમિયાન ગરમીનો પારો સતત વધતો જાય છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ શહેરો તેમજ જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે જેને કારણે સવારે અને રાત્રે ઠંડીના ચમકારોના અહેસાસ થાય છે.

કોંગ્રેસના આગેવાનો શિક્ષણ મુદ્દે સરકારને ઘેરશે
ગાંધીનગર ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓ શિક્ષણ બચાવો ધરણા કરવાના છે. શિક્ષણમાં થઈ રહેલા ખાનગીકરણને લઈ કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવાની છે. જ્ઞાન સહાયક નાબુદ કરવામાં આવે તેવી ટેટ-ટાટ ઉમેદવારો અનેક સમયથી માગ કરી રહ્યા છે. ઉમેદવારોના સમર્થનમાં ભાજપના અનેક ધારાસભ્યો આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે ઉમેદવારોના સમર્થનમાં રેલી કાઢી હતી. યુવરાજસિંહ પણ આ મામલે ઉમેદવારો સાથે છે. ત્યારે આજે કોંગ્રેસના આગેવાનો આજે ગાંધીનગર ખાતે ધરણા કરવાના છે. મહત્વનું છે કે શિક્ષણની પરિસ્થિતિ એકદમ લથડી રહી છે.

વડોદરામાં થયેલા પથ્થરમારા વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી
વડોદરાના સાવલીના મંજૂસર ગામમાં ગણપતિ બાપ્પાના વિસર્જન દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસને અનેક વાયરલ વીડિયો મળ્યા હતા અને હવે એ મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. સાવલીના ગોઠડા ગામના 23 વર્ષના નવજવાન નિલેશ પરમાર સામે રાયોટિંગ અને બીજા પણ અલગ અલગ પાંચ ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે, સાવલી પોલીસે આ કાર્યવાહી વડોદરા જિલ્લા કલેક્ટરના હુકમથી કરી છે. નૈતિક દ્રષ્ટિએ આવું જ થવું જોઈએ કે હિંદુત્વના નામે આવા લોકો કાયદો હાથમાં લે છે અને અશાંતિ ફેલાવે છે અને તેમાં જ પોતાની શાન માને છે તો તેમણે સમજવું જોઈએ કે પોલીસ અને સરકાર પાછળ છે. સરકાર માટે ધર્માંધતા કે સંઘર્ષો કરતા પણ વિશેષ જરૂરી છે શાંતિ અને સૌહાર્દ અને એટલે જ સરકારે તોફાન કરનારનો ધર્મ નથી જોયો. તમે પણ ના જુઓ અને બની શકો ત્યાં સુધી શાંતિ સ્થપાય તે દિશામાં કામ કરો શાંતિ એ કાયરતાની નિશાની નથી સમૃદ્ધિની વાહક છે.

નશામાં ધૂત યુવકે કરી સગીરાની છેડતી
અમદાવાદ શહેરમાં ગુનાખોરી ચિંતાજનક રીતે વધી રહી છે, ધોળા દિવસે યુવતીઓની છેડતી અને તેમની સાથે મારઝૂડના કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદના નરોડા ગેલેક્સી વિસ્તારમાં એક્ટિવા પર જતી બે બહેનોને નશામાં ધૂત યુવકે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. 17 વર્ષીય સગીરા એક્ટીવા પરથી પડી જતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનામાં એક્ટિવાને ધક્કો મારી બંને બહેનોને નીચે પાડી મૂઢ માર માર્યો હતો. તેમજ એક યુવતીને ઢસેડી ઢસેડીને માર મારવાની વિગતો સામે આવી છે. સરદારનગર વિસ્તારમાં બનેલી આ ઘટના ખૂબ જ ચોંકાવનારી ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને આરોપીને પોલીસે પકડી લીધા છે આ સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી તથા માર મારવા સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી છે.

ભીષણ આગમાં થયા 6 લોકોના મોત
આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આગના અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. ત્યારે મુંબઈમાં ગઈકાલે એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. મુંબઈના ગોરેગાંવના આઝાદ નગરમાં સમર્થ નામની 7 માળની ઈમારતમાં આગ ફાટી નીકળી હતી જેને કારણે 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 40થી વધારે લોકો ઘાયલ થયા છે. બે લોકોની હાલત એકદમ ગંભીર હોય તેવી માહિતી પણ સામે આવી રહી છે.

શિખર ધવન અને તેમની પત્નીના થયા ડાયવોર્સ
ભારતીય ક્રિકેટર શિખર ધવન અને તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જી કાયદેસર રીતે અલગ થઈ ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના ન્યાયાધીશ હરીશ કુમારે છૂટાછેડાની અરજીમાં પત્ની આયેશા મુખર્જી વિરુદ્ધ ધવન દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને સ્વીકારી લીધા અને છૂટાછેડા મંજૂર કર્યા હતા. કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું કે આયેશાએ શિખર પર માનસિક ક્રૂરતા આચરી હતી. ઉલ્લેખનિય છે કે ધવન આયેશા કરતા દસ વર્ષ નાનો છે.
