ગુજરાતમાંથી વરસાદ ટૂંક સમયમાં વિદાય લેવાનો છે. વિદાય લેતા પહેલા રાજ્યના થોડા વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ જોવા મળી શકે છે. રાજ્યમાં હાલ કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી જેને કારણે વરસાદ આવે. 28મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 29મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. 30મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.
મૂર્તિ વિસર્જનને લઈ તંત્ર દ્વારા કરવામાં આવી વિશેષ વ્યવસ્થા
ગણપતિ વિસર્જન આજે કરવામાં આવશે. બાપ્પાને વિદાય આપતી વખતે અનેક ભક્તોની આંખોમાં આંસુ આવી જતા હોય છે. વિસર્જનને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગણેશ મૂર્તિ વિસર્જન માટે અમદાવાદમાં 55 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. કોઈ દુર્ઘટના સર્જાય તો તેને પહોંચી વળવા માટે ફાયર સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે ઉપરાંત પોલીસ દ્વારા પણ ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે. ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખી અનેક અમદાવાદના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.
ગુજરાતને પીએમ મોદીએ આપી 5206 કરોડની વિકાસના કાર્યોની ભેટ
ગુજરાતના પ્રવાસે પીએમ મોદી બે દિવસ માટે આવ્યા હતા. ગુજરાતની મુલાકાતે આવેલા પીએમે ગુજરાતને કરોડોની ભેટ આપી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી વડાપ્રધાન મોદીએ 4505 કરોડના કામો સહિત કુલ 5206 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. 55 હજારથી વધુની જનમેદનીને સંબોધિત કરતા કહ્યું હતું કે છોટાઉદેપુરની સ્થિતિ-પરિસ્થિતિને મેં ખૂબ નજીકથી જોઈ છે. વડાપ્રધાને કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો ઉલ્લેખ પોતાના સંબોધનમાં કર્યો હતો. પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશની માતાઓ, બહેનો અને દીકરીઓના નામે મિલકત હોય એવી ભાવના સાથે કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજનામાં મહિલાઓના નામે ઘર આપવાની જોગવાઈ કરી છે. જેના કારણે આજે દેશની લાખો મહિલાઓ 'લખપતિ દીદી' બની ગઈ છે.
પાંચ દિવસમાં 30 લાખથી વધારે દર્શનાર્થીઓએ લીધી અંબાજીની મૂલાકાત
આવતી કાલે ભાદરવી પૂનમ છે. ભાદરવી પૂનમના મેળાને લઈ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકમેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટતી હોય છે. પાંચ દિવસમાં 30.50 લાખ ભક્તોએ શક્તિપીઠ અંબાજીની મુલાકાત લીધી છે. 23મીથી શરૂ થયેલા લોકમેળામાં સૌથી વધારે ભાડે ભીડ પાંચમા દિવસે જોવા મળી હતી. ભાદરવી પૂનમ સુધી 40 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રેકોર્ડબ્રેક શ્રદ્ધાળુઓ આ વખતે દર્શન કરવા માટે આવ્યા છે. ભાદરવી પૂનમને લઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મણિપુર રાજ્યને અશાંત રાજ્ય જાહેર કરાયું
મણિપુરમાં પરિસ્થિતિ પ્રતિદિન વણસી રહી છે. મહિનાઓ પહેલા ભડકેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. બે વિદ્યાર્થીઓના મૃતદેહના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તે બાદ મણિપુર ફરી સળગી ઉઠ્યું હતું. ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મણિપુરમાં સ્થિતિ બેકાબુ બની રહી છે. સમગ્ર રાજ્યને અશાંત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. એક આંકડો સામે આવ્યો હતો કે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 180ને પાર પહોંચી ગયો છે, પોલીસ તાલિમ કેન્દ્રમાંથી પાંચ હજાર જેટલા હથિયારો ગુમ છે.
મેનકા ગાંધીનો વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર બીજેપી નેતા અને પૂર્વ સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો દ્વારા એ વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તે ઈસ્કોનના ગૌશાળાને લઈ વાત કરી રહ્યા છે. વીડિયોમાં તે કહી રહ્યા છે કે ઈસ્કોનની ગૌશાળાઓમાં માત્ર દૂધ આપવા વાળી ગાયો રાખવામાં આવે છે. જ્યારે હું અનંતપુર ગૌશાળામાં ગઈ ત્યારે એક ગૌશાળામાં તે ગયા હતા ત્યાં તેમને કોઈ કમજોર ગાય દેખાઈ ન હતી. ન તો કોઈ વાછરડું દેખાયું હતું. તેનો અર્થ એ થાય કે તમામને વેચી દેવાઈ છે.આ વીડિયો વાયરલ થયા બાદ આ અંગે તપાસ થવી જોઈએ તેવી માગ થઈ રહી છે.
રોકેટ લોન્ચર ફાટવાને કારણે થયા 9 લોકોના મોત
પાકિસ્તાનના સિધ પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. રોકેટ લોન્ચરનો ગોળો ફાટવાને કારણે 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. એક જ પરિવારના પાંચ બાળકો, બે મહિલાઓ તેમજ બે પૂરૂષો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મેદાનમાં રોકેટ લોન્ચર મળી આવ્યું હતું જેને બાળકો ઘરે લઈ આવ્યા હતા. જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. બાળકો રોકેટ લોન્ચર સાથે રમી રહ્યા હતા.