કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. દરેકની નજર આ બજેટ પર રહેલી છે કારણ કે આવનાર થોડા મહિનાઓમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. આ બજેટમાં મુખ્યત્વે રોજગારી પર વધારે ધ્યાન સરકાર આપી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. રેલવેને લઈ તેમજ મહિલાઓને લઈ બજેટમાં કઈ રજૂ થઈ શકે છે તેવું અનુમાન છે. જો શિડ્યુલની વાત કરીએ પહેલા ફોટો સેશન થશે, રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પણ નાણામંત્રી કરવાના છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સરકારની કેબિનેટ બેઠક મળશે. બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે અને તે બાદ નાણામંત્રી લોકસભા પહોંચશે અને 11 વાગે તે બજેટ રજૂ કરવામાં આવશે.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડને લઈને થઈ રહેલી અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. કથિત જમીન કૌભાંડમાં ઈડીની પૂછપરછથી ભાગતા હેમંત સોરેનની ધરપકડ રાંચીથી કરવામાં આવી. ઈડીના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી. મીડિયા રિપોર્ટ અનુસાર 7 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ પણ ઈડી સોરેનના જવાબોથી સંતુષ્ટ ન થતાં ઈડીએ તેમની ધરપકડ કરી લીધી. ત્યારબાદ હેમંત સોરેન રાજભવન પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમના સ્થાને ચંપઈને મુખ્યમંત્રી બનાવવાની ભલામણ કરી છે. ચંપઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે.

ઉત્તર પ્રદેશની વારાણસીની જિલ્લા કોર્ટે હિંદુ પક્ષના હક્કમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પવિત્ર યાત્રાધામ વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જીદ પરીસરમાં આવેલા વ્યાસ તહેખાનામાં હિંદુપક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે જિલ્લા વહીવટી તંત્રને બેરિકેડિંગ હટાવવાની વ્યવસ્થા 7 દિવસમાં કરવાનો હુકમ આપ્યો છે. આ તહેખાનું મસ્જિદની નીચે છે. હવે ત્યાં નિયમિત પૂજા અર્ચના થશે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના કરાવવામાં આવશે. વારાણસીની જિલ્લા કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે જે વ્યાસજીનું તહેખાનું છે, હવે તેના કસ્ટોડિયન વારાણસીના જિલ્લા મેજીસ્ટ્રેટ થઈ ગયા છે, તેથી વિશ્વનાથ મંદિરના જે પૂજારી છે તે જ આ તહેખાનાની સાફ-સફાઈ કરાવશે. ત્યાં જે બેરિકેડિંગ લગાવવામાં આવ્યા છે, તેને હટાવવામાં આવે અને ફરીથી તહેખાનામાં નિયમિત રીતે પૂજા કરાવવામાં આવે.

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી સમયે સામાન્ય રીતે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવતો હોય છે. પરંતુ આજે સમાચાર આવ્યા કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયા જેટલાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો પડ્યો છે. આઈઓસીએલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 19 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે થોડા સમય પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ફરી એક વખત ઈડીએ સમન્સ પાઠવ્યું છે. ઈડીએ કેજરીવાલની પૂછપરછ કરવા માટે પાંચમી વખત સમન્સ મોકલ્યું છે. કેજરીવાલને 2 ફેબ્રુઆરીએ ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં કેજરીવાલ આ વખતે તપાસ એજન્સી સમક્ષ હાજર થશે કે નહીં તે નક્કી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે. આ પહેલા ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સને મુખ્યમંત્રી કેજરીવાલે બદલાની કાર્યવાહી ગણાવી હતી. આ અગાઉ ઈડીએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર, અને 2 નવેમ્બરના રોજ દિલ્હી સીએમને સમન મોકલ્યું હતું. જો કે તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોંતા.
