ભારત દેશ આજે 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. સવારે 10.30 કલાકે કર્તવ્ય પથ પર શાનદાર પરેડ શરૂ થવા જઈ રહી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ વર્ષના ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. નેશનલ વોર મેમોરિયલની મુલાકાત સાથે આ ઉજવણીની શરૂઆત થશે. મેમોરિયલ પહોંચી પીએમ ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. આ વર્ષની પ્રજાસત્તાક દિવસની થીમ "વિકસિત ભારત" અને "ભારત - લોકશાહીની માતા" છે. પરેડની વિશેષતાઓમાં ત્રણેય સશસ્ત્ર દળોની માર્ચનો સમાવેશ થશે ઉપરાંત દરેક રાજ્યની સંસ્કૃતિ, પરંપરાઓ તેમજ સિદ્ધિઓને દર્શાવતી ઝાંખી પણ જોવા મળશે.
નવજીવન ન્યુઝના પત્રકાર તુષાર બસિયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. એક વીડિયો સુરતથી સામે આવ્યો હતો જેમાં ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે એક શ્રમિક જાહેર રસ્તા પર શારીરિક અડપલા કરતો નજરે પડ્યો હતો. જે-તે સમયે પોલીસે માત્ર જાણવા જોગ અરજી લીધી હતી, પણ તે શખ્સ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહોતી, આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. આ મામલો પત્રકાર તુષાર બસિયાના ધ્યાન પર આવતા તેમણે સિંગણપોર પોલીસ સ્ટેશન PSI રાઠોડનો સંપર્ક કર્યો, PI રાઠોડે આ મામલે કહ્યું કે ફરિયાદી ફરિયાદ આપવા તૈયાર નથી. પત્રકાર તુષાર બસિયાએ વિગતવાર સ્ટોરી કરી . સત્ય ઉજાગર કરવાની સજા આપવા માટે તુષાર બસિયા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તુષાર બસિયા સામે 354, પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 110 પદ્મ શ્રી, 5 પદ્મ વિભૂષણ. 17 પદ્મ ભૂષણ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. પદ્મભૂષણથી ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલને સન્માનિત કરવામાં આવ્યા છે. ઉપરાંત 5 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી, ડોક્ટર દયાળ પરમાર, ડોક્ટર યઝદી માણેકશા ઈટાલિયાને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા જગદીશ લાભશંકર ત્રિવેદી તેમજ હરિશ નાયક (મરણોત્તર)ના નામની જાહેરાત પદ્મશ્રી માટે કરવામાં આવી છે.
બિહારની રાજનીતિમાં ફરી એક વખત ખળભળાટ મચી ગયો છે. નીતિશ કુમાર RJD સાથેના સંબંધો તોડવાની અટકળો વચ્ચે, લાલુ કેમ્પે 122ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે વધુ 8 ધારાસભ્યોને સાધવાના પ્રયાસો શરૂ કર્યા છે. હાલમાં 243 બેઠકોની વિધાનસભામાં બેઠકોનું ગણિત કંઈક આ પ્રકારનું છે. જો RJD+કોંગ્રેસ+લેફ્ટની સીટો જોડવામાં આવે તો સંખ્યા 79+19+16 એટલે કે 114 થાય છે. સ્પષ્ટ છે કે બહુમત માટે 8 ધારાસભ્યોની અછત છે. લાલુ કેમ્પ આ 8 ધારાસભ્યોને ખેંચવા માટે પ્રયાસો કરી રહ્યો છે.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે સંબંધિત ASIના સર્વે રિપોર્ટની માહિતી સામે આવી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈન મીડિયાની સામે આવ્યા હતા અને રિપોર્ટની કેટલીક વિગતો શેર કરી. ASIએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે હાલના બંધારણના નિર્માણ પહેલા ત્યાં એક મોટું હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું. જ્ઞાનવાપી મસ્જિદની પશ્ચિમી દિવાલ મંદિરના અવશેષ છે. પિલર પણ મંદિરના હતા. જે ફરી વાર ઉપયોગ કર્યો છે. વિષ્ણુ શંકરે દાવો કર્યો છે કે, ‘જીપીઆર સર્વે પર એએસઆઈએ કહ્યું છે કે, એ કહી શકાય છે કે, ત્યાં એક મોટું ભવ્ય હિન્દુ મંદિર હતું, અત્યારના માળખા અગાઉ એક મોટું હિન્દુ મંદિર હતું.