જૂનાગઢમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોકો સમક્ષ ઉશ્કેરણીજનક ભાષણ આપનારા મૌલાના સલમાન અઝહરીની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. સલમાન અઝહરીને ગુજરાત ATSએ મુંબઈના ઘાટકોપરમાંથી દબોચી લીધો હતો. મુફતી સલમાન અઝહરીનું ભડકાઉ ભાષણનો વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.ઉલ્લેખનિય છે કે અઝહરીના ભાષણ બાદ તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઈ જૂનાગઢ તેમજ આસપાસના જિલ્લામાં કોમી વૈમનસ્ય ન ફેલાય અને કાયદાકીય કાર્યવાહી થાય એ માટે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે મૌલાનાને ગુજરાત લાવવામાં આવ્યા હતા અને આજે મૌલાનાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

કોરોના વેક્સિન અંગે ઋષિકેશ પટેલે કહી આ વાત
હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. કોરોના બાદ તો જાણે આ શબ્દ એકદમ સામાન્ય બની ગયો હોય તેવું લાગે છે. સાજો લાગતો વ્યક્તિ અચાનક મોતને ભેટે છે તેની ખબર જ નથી પડતી. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને કારણે લાગતું હતું, લોકો માનતા હતા કે કોરોના વેક્સિનને કારણે આ કિસ્સાઓ વધી રહ્યા છે. કોરોના વેક્સિનને લોકો હાર્ટ એટેક પાછળ જવાબદાર માનતા હતા પરંતુ વિધાનસભામાં જ્યારે આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. કોરોના વેક્સિનની કોઈ આડઅસર નથી તેવું નિવેદન ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે.

સંસદમાં વિપક્ષ પર પીએમ મોદીએ સાધ્યું નિશાન!
સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભામાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે હું વિપક્ષ દ્વારા લેવામાં આવેલા ઠરાવની પ્રશંસા કરું છું. આનાથી મારો અને દેશનો આત્મવિશ્વાસ મજબૂત થયો છે કારણ કે વિપક્ષે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ લીધો છે. જે રીતે તમે ઘણા દાયકાઓ સુધી સત્તાધારી પક્ષમાં બેઠા હતા તે જ રીતે ઘણા દાયકાઓ સુધી વિપક્ષમાં બેસવાના તમારા સંકલ્પને જનતા ચોક્કસપણે પૂર્ણ કરશે. મોદીએ કહ્યું કે તમે લોકો (વિપક્ષ) જે રીતે આ દિવસોમાં મહેનત કરી રહ્યા છો. હું દ્રઢપણે માનું છું કે જનતા ચોક્કસપણે તમને આશીર્વાદ આપશે અને તમે આજે જે છો તેના કરતાં તમે ચોક્કસપણે વધુ ઊંચાઈ પર પહોંચી જશો.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ લોકશાહી માટે કહી આ વાત
ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી. ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની ત્રણ જજની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટીસે પ્રિસાઈડિંગ ઓફિસનો વીડિયો જોયો હતો જેમાં તે મતોને કથિત રીતે રદ્દ કરતા જોવા મળે છે. સીજેઆઈએ કહ્યું કે આ લોકતંત્રની મજાક છે. આ મામલે સીજેઆઈ દ્વારા આગામી 12 ફેબ્રુઆરીએ કેસની સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે ચંદીગઢ મેયરની ચૂંટણીને પડકારતી કુલદીપ કુમારની અરજી પર નોટિસ આપી છે. ઉલ્લેખનિય છે કે સમગ્ર રેકોર્ડ પંજાબ અને હરિયાણા કોર્ટે રજીસ્ટ્રારની પાસે સાંજે 5 વાગ્યે તમામ ડોક્યુમેન્ટ અને તમામ વિડીયો પ્રૂફ જમા કરાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચંદીગઢ નગર નિગમની 7 ફેબ્રુઆરીના રોજ થનારી પહેલી બેઠક અનિશ્ચિત સમય સુધી મોકુફ રાખવાનો હુકમ કર્યો છે. મતલબ કે નગર નિગમના નવા મેયરના કામકાજ પર હાલ સ્ટે રહેશે.

ઉત્તરાખંડની વિધાનસભામાં આજે યુસિસિ બિલ કરાશે રજૂ!
યુનિફોર્મ સિવિલ કોર્ડ એટલે કે યુસીસીને લઈ અનેક નિવેદનો સામે આવ્યા છે. યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું આ બધા વચ્ચે ઉત્તરાખંડની સરકાર યુનિફોર્મ સિવિલ કોર્ડ લાવવાની તૈયારી કરી રહી છે. ઉત્તરાખંડ વિધાનસભામાં આજે યુસીસી બિલ રજૂ કરવામાં આવશે. આ બિલને રવિવારે કેબિનેટે પાસ કરી દીધું છે. આજથી ઉત્તરાખંડમાં બજેટ સત્રની શરૂઆત થવાની છે. અને આ સત્રમાં આ બિલને રજૂ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આને લઈ પહેલા જ સ્પષ્ટતા કરી ચૂક્યા છે. જો વિધાનસભામાં આ બિલ પાસ થઈ જશે અને રાજ્યપાલ મંજૂરી આપી દેશે તો ઉત્તરાખંડ દેશનું પહેલું રાજ્ય બનશે યુસીસીને લાગુ કરવા વાળું.
