ભાદરવી પૂનમ નિમિત્તે શક્તિપીઠ અંબાજીમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી. લોકમેળાનું સમાપન ગઈકાલે થઈ ગયું છે. આ લોકમેળાની મુલાકાત લાખો શ્રદ્ધાળુઓએ લીધી હતી. 7 દિવસ ચાલેલા આ મેળામાં 46 લાખ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો છે. મહામેળા દરમિયાન 45.54 લાખ શ્રદ્ધાળુઓએ માતાજી સમક્ષ શિશ ઝુકાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ મહામેળામાં 7 કરોડ જેટલી આવક થઈ છે. અનેક માઈભક્તો પગપાળા કરી અંબાજી પહોંચ્યા હતા. સૌથી વધારે દર્શનાર્થીઓ 27 સપ્ટેમ્બરના રોજ આવ્યા હતા. 10.12 લાખ શ્રદ્ધાળુઓ એ દિવસે દર્શન કર્યા હતા. 3.73 લાખ ભક્તોએ મેળા દરમિયાન ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. 18.41 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે જેમાંથી 71452 ચીકી પ્રસાદનું વિતરણ થયું છે.
પૂરમાં થયેલા નુકસાનને લઈ સરકારે પેકેડ જાહેર કર્યું
નર્મદાના પૂરથી તારાજ થયેલા ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારો માટે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના પુનર્વસન પેકેજનો લાભ ભરૂચ જીલ્લાના 40 ગામો તથા ૨ શહેરો, વડોદરા જીલ્લાના 31 ગામો તેમજ નર્મદા જીલ્લાના 32 ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને મળવાપાત્ર થશે. અગાઉ રાજય સરકારે કૃષિ રાહત પેકેજ તથા કપડા અને ઘરવખરી સહાયની પણ જાહેરાત કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ જિલ્લાઓના નાના વેપારી , રેકડીધારકો માટે આ સહાયની જાહેરાત કરાઈ છે. લારીધારકોને ઉચક 5 હજારની રોકડ સહાય કરાશે. 40 ચોરસ ફૂટ સુધીની નાની કેબિન ધરાવનારને 20 હજારની સહાય આપશે. 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધરાવનારાને 40 હજારની સહાય અપાશે. નાની અને મધ્યમ દુકાનધારકોને 85 હજારની સહાય કરાશે. લોનમાં વધુમાં વધુ 5 લાખ સુધીની સહાય કરાશે.
હાર્ટ એટેકને કારણે વધુ એક યુવાનનું થયું મોત
રાજ્યમાં વધુ બે યુવાનોએ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે. થોડા દિવસ પહેલા એક જામનગરમાં ગરબા રમતા રમતા યુવક ઢળી પડ્યો હતો ત્યારે વધુ એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. હિંમતનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ગઈકાલે મોડી રાત્રે કેવિન રાવલ તેના ઘરમાં ઢળી પડ્યો હતો જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. સુરતથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે.
મેટ્રો ટ્રેનથી લોકોને થયો ફાયદો!
30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં શરૂ થયેલી મેટ્રો ટ્રેનને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. મેટ્રો ટ્રેન સેવા શરૂ કરાતા અનેક લોકોને સગવડ પડી છે. ટ્રાફિક જામની સમસ્યા પણ થોડી ઓછી થઈ છે. મેટ્રો ટ્રેનમાં સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર જ્યારે રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરો મુસાફરી કરે છે. 30 મિનિટના અંતરે મેટ્રોની સેવા મળતી હતી હવે દર 12 મિનિટે મેટ્રોની સેવા મળે છે. અમદાવાદ મેટ્રોથી વાર્ષિક 70 લાખ વાહનોની અવર-જવર ઘટી છે. આવતા વર્ષે માર્ચ સુધીમાં અમદાવાદથી ગાંધીનગરને મેટ્રો દ્વારા જોડવામાં આવશે. 30 સપ્ટેમ્બર 2022માં પીએમ મોદીએ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કર્યો હતો.
મેનકા ગાંધી વિરૂદ્ધ ઈસ્કોન કરશે 100 કરોડનો માનહાનીનો કેસ
ઈસ્કોન અંગે વિવાદાસ્પાદ નિવેદન કરનારા ભાજપના નેતા મેનકા ગાંધીની મુશ્કેલી વધી છે, પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સામે ઇસ્કોને 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. ઈસ્કોનના કોલકાત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું હતું કે મેનકા ગાંધી સામે 100 કરોડ રૂપિયાના માનહાનિના દાવાની નોટિસ ફટકારી છે. દાસે કહ્યું કે 'કોઈ સાંસદ કોઈ પણ પ્રકારના તથ્યો વગર આવા આરોપ કઈ રીતે લગાવી શકે છે? રાધારમણ દાસે કહ્યું કે મેનકા ગાંધીનું નિવેદન ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે, તેમના આવા નિવેદનથી દુનિયાભરમાં ફેલાયેલા અમારા અનુયાયીને દુ:ખ થયું છે. અમે મેનકા ગાંધી સામે માનહાનિનો કેસ કરી રહ્યા છીએ. અમે તેમના પર નોટિસ મોકલી છે. કોઈ સાંસદ, જે કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે, તે કોઈ પણ તથ્ય વગર આટલા મોટા વર્ગ સામે જુઠ્ઠું કઈ રીતે બોલી શકે છે.'
પાકિસ્તાનમાં થયા બોમ્બ બ્લાસ્ટ
ઈદના દિવસે પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે જેમાં અનેક લોકોના મોત થયા છે. બલુચિસ્તાન પ્રાંતમાં મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં 52 જેટલા લોકોના મોત થયા છે. આ ઘટનામાં 130થી વધારે લોકો ઘાયલ થયા છે. ઈદનાં પવિત્ર દિવસે મસ્જિદની બહાર એક રેલીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. અને એ જ દિવસે આ મોટો વિસ્ફોટ થયો હતો. એક બાદ એક બોમ્બ બ્લાસ્ટની ઘટના થવાથી પાકિસ્તાની તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.