ગુજરાતમાં વરસાદ વિદાયના આરે છે. ભાદરવા મહિનામાં મેહુલાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા હતા. અનેક જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઘણું વધારે છે અને તાપ પણ છે. જેના કારણે કોઇક કોઇક જગ્યાએ સામાન્યથી હળવો વરસાદ થઇ શકે છે અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમરેલી, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હળવો વરસાદ રહી શકે છે. ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પાંચ દિવસ બાદ ગુજરાત રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે.

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
ગુજરાતના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે. બે દિવસના પ્રવાસે તેઓ ગુજરાત આવ્યા અને આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ગઈકાલે અમદાવાદ એરપોર્ટ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નારી શક્તિ વંદન કાર્યક્રમમાં પીએમ મોદીએ મહિલાઓને સંબોધિત કર્યા હતા. ત્યારે આજે પીએમ મોદી અનેક વિકાસના કાર્યોની ભેટ આપવાના છે. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રૂપિયા 4505 કરોડનાં અને રાજ્ય સરકારના વિવિધકામો મળીને કુલ રૂ. 5206 કરોડનાં બમ્પર વિકાસકાર્યોની ભેટ મળશે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત કુલ રૂ.4505 કરોડનાં ખર્ચે 9088 નવીન ક્લાસરૂમ, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન અને રૂ.1426 કરોડનાં કામોનું લોકાર્પણ તેમજ 3079 કરોડના ખાતમૂર્હતના કામોનો સમાવેશ થાય છે.

પિતા-પુત્રીના સંબંધ થયા શર્મસાર
ખેડાથી પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. મહિલાઓ હવસનો શિકાર બની રહી છે. ત્યારે મુકબધિર પિતાએ પોાતની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આ ફરિયાદમાં દીકરી પર ન માત્ર તેના પિતાએ પરંતુ સાત અન્ય લોકોએ પણ દુષ્કર્મ આચર્યું હોય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એવી માહિતી સામે આવી છે કે તે અન્ય લોકો હતા કે સગીરવયના હતા જેને કારણે પોક્સો એક્ટ અંતર્ગત પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવતું હતું પરંતુ હવે તો દીકરીઓ ઘરમાં પણ સુરક્ષિત નથી.

ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવાનને આવ્યો હાર્ટ એટેક
કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારે થઈ ગયો છે. અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં તંદુરસ્ત લાગતો માણસ અચાનક ઢળી પડે છે અને મોતને ભેટે છે. કોઈ યોગા કરતા કરતા તો કોઈ ડાન્સ કરતા કરતા. ત્યારે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ગરબા કરતા કરતા 19 વર્ષીય યુવાન મોતને ભેટ્યો છે. યુવાનને હાર્ટ એટેક આવતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા જૂનાગઢથી સામે આવ્યો હતો. મહત્વનું છે કે થોડા સમયની અંદર હાર્ટ એટેકનો શિકાર અનેક લોકો બન્યા છે.

મણિપુરમાં ફરી ભડકી ઉઠી હિંસા!
મણિપુરમાં ફરી એક વખત ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. લાંબા સમય બાદ ઈન્ટરનેટ સેવા પરથી પ્રતિબંધ હટ્યો હતો પરંતુ બે વિદ્યાર્થીઓની હત્યા બાદ તણાવ ફરી એક વખત વધી ગયો છે. બે વિદ્યાર્થીઓના મોતની તપાસ સીબીઆઈ કરવાની છે. ત્યારે ફરી એક વખત રાજ્ય સરકારે પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
