ઓક્ટોબર મહિના દરમિયાન છુટોછવાયો વરસાદ રહી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ફરી એક વખત વરસાદી મોસમ જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી. ત્યારે હવે આવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે. 17 ઓક્ટોબર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમને કારણે નવરાત્રીમાં વરસાદ આવી શકે છે. સિસ્ટમને કારણે વરસાદી શક્યતા વધી છે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા પણ શરૂ થાય તેવી શક્યતા છે. આજે પણ અનેક જગ્યાઓ પર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજ માટે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આગાહી પ્રમાણે સુરત, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

રિક્ષા અથવા તો કેબ પાછળ લગાડવું પડશે આ પાટીયું
અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે હવે દરેક રિક્ષામાં કે કેબમાં ડ્રાઈવરની સીટની પાછળ એક પાટીયું લગાવાશે જેમાં રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયાત બનશે. પોલીસના નંબર, મહિલા હેલ્પલાઈન નંબર અને ટ્રાફિક પોલીસનો નંબર લખવો ફરજિયાત થશે. આ સાથે જ પોલીસ હેલ્પલાઇન નંબર 100,મહિલા હેલ્પલાઇન નંબર 181 અને ટ્રાફિક હેલ્પલાઇન નંબર 1095 પણ લખવો ફરજિયાત બનશે. તમામ વસ્તુ એવી રીતે લખવી પડશે કે તે ભૂંસાય નહીં. લખાણના અક્ષર એવી રીતે રાખવા પડશે કે જેથી મુસાફરી કરનાર વ્યક્તિને લખેલું બધું દેખાય વંચાય. આ જાહેરનામાનો અમલ પહેલી નવેમ્બરથી શરૂ થશે માટે રિક્ષા ચાલક, કેબ ચાલક અને ટેક્સી ચાલક ભાઈઓ બહેનોને આ વાત ખાસ ધ્યાને લેવી કે મહિનાની અંદર પાટીયું લગાવી લેવું. જો કોઈએ આ લખાણ ન લખ્યું તો તેમની સામે કડક કાર્યવાહી થશે. પહેલી નવેમ્બરથી આ પોલીસીનો અમલ થશે.

વડોદરામાં આવેલી સરકારી શાળામાંથી પકડાયો દારૂનો જથ્થો
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો મજાક બની ગયો છે, અવારનવાર દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટનાઓ સામે આવતી રહે છે. વડોદરા જિલ્લામાં એક શાળા માંથી દારૂનો મોટો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો છે. વારણામા પોલીસે ઇટોલા ગામે આવેલા આર્ય કન્યા વ્યાયમ મહાવિધાલયના બંધ ઓરડામાં રાખેલો રૂ.18.42 લાખનો વિદેશી દારૂનું જથ્થો પકડી પડ્યો હતો. આ સાથે જ પોલીસે ત્રણ આરોપીની પણ ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લાની વારણામા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ઈટોલા ગામમાં આવેલી આર્યકુમાર મહાસભા વડોદરા દ્વારા સંચાલિત આર્ય કન્યા વ્યાયમ મહાવિધાલયના એક બંધ ઓરડામાં મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થાનો રાખવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ, પીએમ સહિતના નેતાઓએ બાપુને આપી શ્રદ્ધાંજલિ
2 ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી. મહાત્મા ગાંધી ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતી છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ બંને મહાપુરૂષોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. ઉપરાંત ઘાટ પર જઈ પુષ્પાંજલી પણ અર્પણ કરી છે. દર વર્ષે 2 ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે દેશ બાપુની 154મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિજય ઘાટ પર લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

"સ્વચ્છતા હી સેવા" અંતર્ગત સ્વચ્છતાની પ્રવૃત્તિમાં કરાયું શ્રમદાન
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ્વચ્છતાના આગ્રહી હતા. આપણે ત્યાં કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. મતલબ જ્યાં સફાઈ છે જ્યાં પ્રભુનો વાસ હોય છે. આજે ગાંધી જયંતિ છે.ગાંધી જયંતિ પહેલા ગાંધીજીને સ્વચ્છાંજલી અર્પણ કરવા માટે વિશેષ આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથમાં ઝાડુ લઈને એક પાર્કની સફાઈ કરી હતી. તે સિવાય ગુજરાતના મુખ્યમંત્રીએ પણ આ અભિયાનમાં શ્રમદાન કર્યું હતું. પોતાના મતવિસ્તારમાં આવેલી શાળામાં તેમણે સફાઈ કરી હતી. તે ઉપરાંત દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલને માન આપી શ્રમદાનમાં ભાગ લીધો હતો.

સ્પેનમાં આવેલા નાઈટ ક્લબમાં લાગી ભીષણ આગ
આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકો જીવતા હોમાઈ જાય છે. અનેક વખત એવા કિસ્સાઓ આપણી સમક્ષ આવે છે. આગની દુર્ઘટનામાં સ્પેનમાં સર્જાઈ છે. સ્પેનના મર્સિયા શહેરમાં આવેલા એક નાઈટ ક્લબમાં ભીષણ આગ લાગી છે જેમાં અનેક લોકો જીવતા ભૂંજાયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી 13 લોકોના મોતના થઈ ચૂક્યા છે. આ મૃત્યુ આંક વધી શકે તેવી સંભાવના પણ છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયો છે તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે બચાવ કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. આ દુર્ઘટના બાદ શહેરમાં રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે. શહેરના મેયર જોસ બેલેસ્ટાએ જણાવ્યું કે મર્સિયા નગરપાલિકા સરકારે આગમાં માર્યા ગયેલા લોકોના સન્માનમાં ત્રણ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે.
