વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં આપવામાં આવતી જાણકારી અનેક વખત ચોંકાવનારી હોય છે. ગુજરાતને વિકસિત રાજ્ય તરીકે સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વિકસિત રાજ્યના અનેક બાળકો આજે પણ કુપોષણનો શિકાર છે. આજે પણ એવા અનેક બાળકો છે જેમને પોષણયુક્ત ભોજન નથી મળતું. વિધાનસભામાં કુપોષિત બાળકો અંગેના જવાબ રજૂ કરવામાં આવ્યા હતા અને એ આંકડા સાંભળીને કદાચ આંખો પહોંચી થઈ જાય! વર્ષ 2022માં કુપોષિત બાળકોની સંખ્યા 1,25,907 હતી જે 2023માં વધી ગઈ. 2023માં કુપોષિત બાળકોનો આંકડો 5,70,305 થઈ ગયો છે. અમદાવાદમાં વર્ષ 2023માં કુપોષણનો આંકડો સૌથી વધુ 56,941 બાળકોનો છે. દાહોદમાં કુપોષિતોનો આંકડો 51321 છે.

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે થઈ હર્ષદ પટેલની નિમણૂંક
ગાંધી મુલ્યોના સંવર્ધન માટે મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અમદાવાદમાં વર્ષ 1920માં કરી હતી. અમદાવાદમાં સ્થાપવામાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહી છે. ગુજરાત વિદ્યાપીઠના 100 વર્ષના ઈતિહાસમાં કુલપતિ તરીકે ગવર્નર આચાર્ય દેવવ્રતની નિમણૂંકના વિરોધમાં ગુજરાત વિદ્યાપીઠના 9 ટ્રસ્ટીઓએ રાજીનામું આપ્યું હતું. જો કે હવે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ તરીકે ડો. હર્ષદ એ. પટેલની નિમણૂક કરવામાં આવી છે. પસંદગી સમિતિએ મોકલેલા ત્રણ નામોમાંથી કુલાધિપતિ અને રાજ્યપાલે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની પસંદગી કરી છે. ડૉ. હર્ષદ એ.પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ બન્યા છે.
એલઆરડી ભરતીના આરઆર થયા જાહેર
પોલીસ ભરતી માટે તૈયારી કરેલા રાજ્યના લાખો ઉમેદવારો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. તે ઉપરાંત હવે ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં નહીં લેવાય. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ જ રહેશે શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે. પરીક્ષા 12 પાસ પર લેવાશે.

સંસદનો ખેડૂતો કરશે ઘેરાવો!
ખેડૂતો ફરી એક વખત દિલ્હીમાં પ્રદર્શન કરવાના છે તેવી માહિતી સામે આવી છે. નોઈડા અને ગ્રેટર નોઈડાના ખેડૂતો સંસદનો ઘેરાવો કરવાના છે. હજારોની સંખ્યામાં ખેડૂતો આજે સંસદનો ઘેરાવો કરવાનો પ્રયાસ કરવાના છે. ખેડૂતોના માર્ચને લઈ પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટના આધારે ખેડૂતોના પ્રદર્શન પહેલા સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ખેડૂત જૂથ ડિસેમ્બર 2023થી સ્થાનિક વિકાસ અથોરિટી દ્વારા અધિગ્રહીત પોતાની જમીનના બદલામાં વધારે વળતર અને વિકસિત ભૂખંડોની માગણી ખેડૂતો કરી રહ્યા છે. દિલ્હીમાં સંસદ સુધી આજે ખેડૂતો માર્ચ કરવાના છે.

ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં થયો બ્લાસ્ટ
પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીના એક દિવસ પહેલા થયેલા બે વિસ્ફોટોમાં 22 લોકોના મોત થયા છે. બંને વિસ્ફોટ પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનમાં થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, એક અપક્ષ ઉમેદવારના ચૂંટણી કાર્યાલયની બહાર વિસ્ફોટ થયો હતો. આ હુમલાઓમાં 25થી વધુ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે. હાલ કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. મહત્વનું છે કે આની પહેલા પણ એટલે કે 6 તારીખે પણ પાકિસ્તાનમાં બ્લાસ્ટ થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા.
