કોટિયા મેનેજમેન્ટના મુખ્ય પાર્ટનર બિનીત કોટિયાની કરાઈ ધરપકડ
થોડા દિવસો પહેલા વડોદરા હરણી લેકમાં એક મોટી દુર્ઘટના બની હતી. લેકમાં બોટ પલટી જવાને કારણે અનેક બાળકો કાળનો કોળિયો બન્યા હતા. ન માત્ર બાળકો પરંતુ શિક્ષકોના પણ મોત આ દુર્ઘટનામાં થયા હતા. ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેમજ પીએમઓ દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી. મુખ્યમંત્રી તેમજ ગૃહરાજ્યમંત્રી વડોદરા પહોંચી ગયા હતા. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે 14 જેટલા લોકોનો ભોગ લેનારા કોટિયા મેનેજમેન્ટના પાર્ટનરોને શોધવામાં પોલીસને સફળતા મળી છે. કોટિયા મેનેજમેન્ટના મુખ્ય પાર્ટનર બિનીત કોટિયાની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ સુધી મુખ્ય સુત્રધારો પરેશ શાહ અને નિલેશ જૈન પોલીસ પકડથી દુર છે. પરેશ શાહ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની વાતો ચર્ચાઇ રહી છે.
પ્રથમ દિવસે ચારથી પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ કર્યા રામલલ્લાના દર્શન
22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવ નિર્મિત મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ પરમદિવસે આવ્યો હતો. ભક્તો માટે ગઈકાલથી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. પહેલા જ દિવસે પાંચ લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. રામ લલ્લાના દર્શન કરવા માટે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. પડાપડીના દ્રશ્યો સામે આવ્યા હતા. ભીડને કંટ્રોલ કરવા માટે આઠ હજારથી વધારે સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ ભીડ બેકાબુ બની હતી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે જેને કારણે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગોના શહેરોનું તાપમાન 11 ડિગ્રી આસપાસ નોંધાયું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપને લઈ 27 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.
જેલમાંથી આજે બહાર આવી શકે છે ચૈતર વસાવા
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળી ગયા છે. જે અનુસાર કેસ દરમિયાન તે ભરૂચની સીમામાં એન્ટર નહીં થઈ શકે. ચૈતર વસાવાને જામીન તો મળી ગયા પરંતુ તે હજી જેલમાં છે કારણ કે તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. પત્નીને જામીન નથી મળ્યા જેને કારણે ચૈતર વસાવા પણ જામીન મળ્યા છતાંય જેલમાં છે. મહત્વનું છે કે ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવા મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદ થતાં તે ફરાર થઈ ગયા હતા અને થોડા સમય બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન પણ ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી હતી.