ભાજપમાં શરૂ થયો ભરતી મેળો!
લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળામાં કોંગ્રેસ અને આપના નેતાઓ જોડાઈ રહ્યા છે. ગત છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને આપના ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. હવે વધુ એક ધારાસભ્યના નામની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. વડોદરા જિલ્લાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઓપરેશન લોટસ સક્રિય થયું છે. ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ જતો હોય છે ચૂંટણી નજીક આવે તે સમયે. ત્યારે આ વખતની ચૂંટણીમાં પણ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ, આપના ધારાસભ્યો પદ ઉપરથી રાજીનામું અને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
બિહારમાં થયો ગંભીર અકસ્માત જેમાં થયા 9 લોકોના મોત
રોડ અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અકસ્માત એટલા ભીષણ હોય છે કે લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ જતા હોય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે એક ભયંકર અકસ્માત બિહારમાં સર્જાયો છે જેમાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઘટના 20 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે બની હતી જેમાં રીક્ષાની ટક્કર કોઈ અજાણ્યા વાહન સાથે થઈ ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષાનું પડીકું વડી ગયું. એવી માહિતી સામે આવી છે કે આ રીક્ષામાં 15 જેટલા લોકો સવાર હતા. આ ટક્કરમાં 9 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે સારવાર અર્થે અનેક લોકોને મોકલ્યા છે.
કોંગ્રેસ અને સપા વચ્ચે બેઠકોની વહેંચણીને લઈ ડિલ થઈ ગઈ ફાઈનલ!
ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધનને લઈને મોટા સમાચાર આવ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. બંને પાર્ટીઓ આજે સાંજ સુધીમાં સીટ શેયરિંગની જાહેરાત કરી શકે છે. આ બાબતને અખિલેશ યાદવે પણ કંમ્ફર્મ કરી છે, તેમણે કહ્યું કે બંને પાર્ટીઓ વચ્ચે કોઈ વિવાદ નથી. ટૂંક સમયમાં જ તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે. અંત ભલા તો સબ ભલા. તેમણે વધુમાં કહ્યું કે સમાજવાદી પાર્ટીના પ્રયાસ રહેશે કે લોકોને સાથે જોડવામાં આવે. સમય આવતા તેમને જવાબદારી સોંપવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આજે સાંજ સુધીમાં સીટોની વહેંચણી અંગેની જાહેરાત થઈ શકે છે.
ખેડૂતોને રોકવા માટે છોડવામાં આવી રહ્યા છે ટીયર ગેસના સેલ
પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાની માગને લઈ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. સરકાર અને ખેડૂત નેતા વચ્ચે અનેક વખત બેઠકનું આયોજન થયું પરંતુ તેનું પરિણામ કંઈ નિકળ્યું ન હતું. રવિવારે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. બેઠક બાદ એવું લાગતું હતું કે ખેડૂત આંદોલન સમેટાઈ જશે. સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રસ્તાવ પર ખેડૂતોએ વિચાર કરવા માટે બે દિવસનો ટાઈમ માગ્યો હતો. 21 ફેબ્રુઆરી સુધી ખેડૂતોએ દિલ્હી કૂચ પર અલ્પવિરામ મૂક્યો હતો પરંતુ આજે ફરીથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં સુરક્ષા બળોને તૈનાત કરી દેવામાં આવી છે. બોર્ડર પર ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી પણ સામે આવી છે કે સરકારે ખેડૂત આગેવાનોને ચર્ચા કરવા માટે પાંચમી વખત આમંત્રણ આપ્યું છે.