બોક્સિંગમાંથી ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે સન્યાસ લેવાની જાહેરાત કરી છે તેવી માહિતી સામે આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ઉંમરને કારણે તેમણે સન્યાસ લીધો છે. પરંતુ હવે એવી માહિતી સામે આવી છે કે તે સન્યાસ નથી લેવાના. માહિતી પ્રમાણે ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એટલે કે IBA પુરૂષ અને મહિલા બોક્સરોને 40 વર્ષની ઉંમર સુધી જ રમતમાં ભાગ લેવાની પરવાનગી આપે છે. અને મેરી કોમની ઉંમર 40 ઉપરની છે જેને કારણે તેમને સન્યાસ લેવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે. એક ઈવેન્ટમાં તેમણે આ અંગેની વાત કરતા જણાવ્યું હતું કે તેમની ઉંમરને કારણે તેમને પરવાનગી આપવામાં આવી રહી નથી. મહત્વનું છે કે મેરી કોમ છ વખતની વર્લ્ડ ચેમ્પિયન છે.2012ની ઓલિમ્પિક ગેમ્સમાં પણ મેડલ જીત્યો છે.
લોકસભા ચૂંટણી અંગેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. રાજકીય પાર્ટી દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે. આ બધા વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું કે આજે પણ વધુ એક ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. નામ અંગેની ચર્ચા કરીએ તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાની અટકળો ચાલી. તો બીજી તરફ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને લઈ ચર્ચાઓ તેજ બની. તે ઉપરાંત કોંગ્રેસના જ બીજા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે એવી માહિતી સામે આવી છે કે ધર્મેન્દ્રસિંહ અધ્યક્ષને આજે રાજીનામું સોંપશે.
કરોડો રૂપિયાનું ભક્તોએ કર્યું દાન
22 જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. અનેક દાયકા બાદ આ ક્ષણ આવી હતી જ્યારે મંદિરમાં ભગવાન રામની મૂર્તિને બિરાજમાન કરવામાં આવી હતી. સામાન્ય લોકો માટે મંદિરના દ્વાર 23 જાન્યુઆરીથી ખોલવામાં આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની પડાપડી જોવા મળી હતી. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અયોધ્યા આવી પહોંચ્યા હતા પ્રથમ દિવસે ચારથી પાંચ લાખ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો અને બીજા દિવસે પણ ભક્તોનો માનવમહેરામણ અયોધ્યમાં જોવા મળ્યો હતો. ભક્તોએ મંદિરમાં દિલ ખોલીને દાન કર્યું હતું. મળતી માહિતી અનુસાર પ્રથમ દિવસે 3.17 કરોડ રૂપિયાનું દાન મંદિરમાં કરવામાં આવ્યું હતું. 7.5 લાખ જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.
આપ અને ટીમએસીએ ચૂંટણી પહેલા કરી મહત્વની જાહેરાત
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી માટે આ ગઠબંધન કરવામાં આવ્યું હતું પરંતુ ચૂંટણી આવે તેની પહેલા જ જાણે ગઠબંધનમાં ડખા શરૂ થઈ ગયા છે. મમતા બેનર્જીએ એવી જાહેરાત કરી કે ટીએમસી પાર્ટી પશ્ચિમ બંગાળમાં એકલી ચૂંટણી લડશે. આની ચર્ચાઓ હજી પૂર્ણ નથી થઈ ત્યાં તો સમાચાર આવ્યા કે પંજાબમાં પણ આમ આદમી પાર્ટી એકલી ચૂંટણી લડશે.
આવનાર દિવસોમાં ઘટી શકે છે ઠંડીનું જોર
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનું જોર વધી ગયું છે. ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે પરંતુ આવનાર દિવસોમાં ઠંડીનું જોર ઘટી જશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનમાં ઘટાડો નહીં પરંતુ વધારો થઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટી જશે તેવી માહિતી સામે આવી છે. જો નોંધાયેલા તાપમાન અંગેની વાત કરીએ તો નલિયામાં તાપમાન 9.5 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદમાં 12.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે અન્ય 8 શહેરોમાં તાપમાન 12 ડિગ્રીથી નીચું નોંધાયુ હતું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની વાત કરવામાં આવી છે. અનેક ભાગોમાં માવઠું આવી શકે છે.