ચૈતર વસાવાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર
લોકસભા ચૂંટણીને લઈ દરેક પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને ઉતારવાના છે જ્યારે ભાવનગર લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. જ્યારે ચૈતર વસાવાના નામની જાહેરાત થઈ ત્યારે તે જેલમાં હતા. પરંતુ તે પોતાના સમર્થકોને પ્રચાર કરવા માટે કહી રહ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ જાણે પ્રચારની કમાન સંભાળી લીધી હોય તેવું લાગે છે. લોકોની વચ્ચે ચૈતર વસાવા જઈ રહ્યા છે. ત્યારે જનસભાને ચૈતર વસાવાએ સંબોધી હતી અને તેમાં ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
હિટ એન્ડ રનની ઘટનામાં થયા ત્રણ લોકોના મોત
રાજ્યમાં ફરીથી એક હિટ એન્ડ રનની ઘટના બની છે. પદયાત્રા કરી રહેલા પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે અને જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બહુચરાજીના અંબાળા ગામથી પગપાળા સંઘ વરાણા જઈ રહ્યો હતો જેમાં 40 લોકો હતા. ત્યારે ચાણસ્મા હાઈવે દાંતરવાડા પાસે યાત્રિકો પર ટ્રક ફરી વળ્યો અને લોકોને પોતાની નીચે કચડીને નીકળી ગયો. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને એવી માહિતી સામે આવી છે કે ઘાયલ લોકોમાંથી અનેક લોકોની હાલત ગંભીર છે. અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ફરાર છે. મહત્વનું છે કે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો.
ચૂંટણી બોન્ડ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
સુપ્રીમ કોર્ટે ઈલેક્શન બોન્ડને ગેરબંધારણીય જાહેર કરી રદ્દ કર્યા છે. આ કેન્દ્રની મોદી સરકાર માટે મોટો ઝટકો છે. વર્ષ 2018માં નરેન્દ્ર મોદી સરકારે આ યોજના શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટએ એસબીઆઈને વર્ષ 2019થી આ અંગે જાણકારી આપવાનું કહ્યું છે. તે ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પણ રાજકીય પાર્ટીઓને મળેલા તમામ ફંડને જાહેર કરવાનું પણ કહ્યું છે. બિઝનેશ હાઉસથી લઈને અન્ય લોકો પણ પાર્ટીઓને ફંડ આપે છે. આવો જાણીએ કે વર્ષ 2022-23માં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું હતું. વર્ષ 2017માં આ સ્કીમને લાવવામાં આવી હતી. ચૂંટણી બોન્ડને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન ગણાવતાં સુપ્રીમકોર્ટે એસબીઆઇને પણ આદેશ આપ્યો હતો કે તે આગામી ત્રણ અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમમ જાણકારી જાહેર કરે. તેના માટે 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે.
પંજાબમાં ખેડૂતોએ કર્યું રેલ રોકો આંદોલન!
જગતના તાતે ફરી એક વખત આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. પોતાની 12 માગો સાથે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખી દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સુરક્ષાબળોનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. ખેડૂતોને રોકવા માટે બેરિકેટ, મોટા મોટા ખિલ્લાઓ મૂકી દેવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજે સાંજના સમયે ખેડૂત આગેવાનો તેમજ કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે બેઠક થવાની છે. આ બેઠકમાં ત્રણ મંત્રીઓ સામેલ થશે તેવી માહિતી સામે આવી છે. આવતી કાલે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. પંજાબમાં ખેડૂતોએ આજે રેલ રોકો આંદોલન કર્યું હતું, રેલવે ટ્રેક પર અનેક ખેડૂતો બેસી ગયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.