આવતી કાલથી બજેટ સત્રની શરૂઆત થવાની છે. 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન આ બજેટ સત્ર ચાલવાનું છે. વચગાળાનું બજેટ દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણ પહેલી ફ્રેબુઆરીએ પેશ કરવાના છે. બજેટ સત્ર પહેલા દર વખતની જેમ આ વખતે પણ આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બધા દળના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠકમાં સત્રના એજન્ડા વિશે વિપક્ષને જાણકારી આપવામાં આવે છે. આ બેઠકમાં સંસદના બંને ગૃહોના સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ બેઠક માટે બધા દળોના સાંસદોને આમંત્રણ પાઠવ્યું હતું.
સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જે જગ્યાઓ 4304 જગ્યાથી વધારીને 5202 કરાઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક સહિત અંદાજે 22 કેડર માટે 4304 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. જો કે હવે 212ની ભરતીમાં 898 પોસ્ટનો ઉમેરો થતાં કુલ 5202 જગ્યાઓ માટે ભરતી થશે. આ માટે ઓનલાઇન અરજીની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 12 વાગ્યા સુધી જ રહેશે.
રાજસ્થાન સરકારના ઘણા પ્રયત્નો છતાં પણ કોચિંગ સીટી કોટા મોતની ફેક્ટરી બની રહ્યું છે. કોટામાં વિદ્યાર્થીના આત્મહત્યાના કિસ્સાઓ અટકી રહ્યા નથી. માત્ર એક સપ્તાહની અંદર કોટામાં કોચિંગના વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થિનીએ પાંચ લાઈનની સુસાઈડ નોટ લખી હતી, જેને વાંચીને પરિવારજનો અને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. અભ્યાસના ભારે દબાણને કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થિનીની સ્યુસાઇડ નોટ મળી આવી છે. આ નોટમાં વિદ્યાર્થિનીએ લખ્યું છે કે હું JEE કરી શકીશ નહીં. હું એક ખરાબ પુત્રી છું. આત્મહત્યા એ મારો છેલ્લો વિકલ્પ છે. આ ચિઠ્ઠી મળ્યા બાદ પરિવારજનો સહિત પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ઉલ્લેખનિય છે કે માત્ર 7 દિવસમાં કોટાના કોચિંગ વિદ્યાર્થીની આત્મહત્યાનો આ બીજો કિસ્સો છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે 15મી ફેબ્રુઆરી સુધી નામાંકન પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે આગામી 27મી ફેબ્રુઆરીએ ચાર બેઠક માટે મતદાન થશે. રાજ્ય સભાની ચારેય ખાલી બેઠકો માટે એકસાથે ચૂંટણી યોજાશે. વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતાં ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેમ છે. રાજ્યસભાની ખાલી પડતી ચાર બેઠકોમાં ભાજપમાંથી કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ કૉંગ્રેસમાંથી અમી યાજ્ઞિક અને નારણભાઇ રાઠવા નિવૃત્ત થઇ રહ્યાં છે. રૂપાલાની આ ત્રીજી અને માંડવિયાની બીજી ટર્મ છે તેથી બન્ને સભ્યોને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના ઓછી જણાઇ રહી છે. કૉંગ્રેસ જો આ ચૂંટણીમાં ભાગ લેશે તો તેના ઉમેદવાર જીતી શકે તેવી શક્યતા એટલા માટે નથી કે વિધાનસભામાં કૉંગ્રેસનું સંખ્યાબળ ઓછું છે. ભાજપ પાસે 156 ધારાસભ્યો છે જેના બળે પાર્ટી ચાર ઉમેદવારો ઊભા રાખી જીતી શકે તેમ છે.
આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેરાત કરી છે. તેમણે હરિયાણા વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. જો કે તેમની આપ પાર્ટી રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન સાથે રહીને લડશે. કેજરીવાલની આ જાહેરાત બાદ હરિયાણામાં આગામી ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. કેજરીવાલે હરિયાણાના જિંદમાં એક જનસભાને સંબોધી હતી, જેમાં તેમણે રાજ્યની 90 વિધાનસભા ચૂંટણીમાં એકલા ઉતરવાની જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો કે હરિયાણામાં તેમનું સંગઠન મજબુત છે અને પ્રત્યેક ગામમાં 15-20 સભ્યોની એક સમિતિ છે.