આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે જેલમુક્ત થયા છે. 48 દિવસ બાદ ધારાસભ્ય જેલની બહાર આવ્યા છે. ચૈતર વસાવાના સ્વાગત માટે મોટી સંખ્યામાં તેમના સમર્થકો, આપ નેતાઓ ત્યાં હાજર હતા. ધારાસભ્યને શરતી જામીન મળ્યા છે. ચૈતર વસાવાને નર્મદા, ભરુચની હદમાં ન રહેવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. શરતી જામીન મળ્યા હોવાને કારણે ધારાસભ્ય ગાંધીનગરમાં રહેશે તેવા સમાચાર સામે આવ્યા છે. જેલમાંથી બહાર આવતા જ ચૈતર વસાવાએ કહ્યું કે મને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે હાઇકોર્ટમાં અપીલ કરીશું. આદિવાસીઓ માટે અમે બોલીએ છીએ. રાજ્ય સરકાર ખોટા ષડયંત્ર કરે છે. ધારાસભ્ય ચૈતર વસાવા બજેટ સત્રમાં પણ હાજરી આપી શકે છે તેવી માહિતી સામે આવી છે.
સુરતની ટ્રાફિક પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તોડ કરવાનો આરોપ ભાજપના ધારાસભ્ય દ્વારા લગાડવામાં આવ્યો છે. વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને મુખ્યમંત્રીને અલગ-અલગ વિષયો ઉપર પત્ર લખવા માટે જાણીતા છે. કુમાર કાનાણીના પત્રને કારણે જે તે વિભાગમાં જબરજસ્ત વાતો પણ થતી હોય છે. આ વખતે ફરી એક વખત કુમાર કાનાણીએ ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી તોડબાજની ઘટનાઓ વિશે ઉલ્લેખ કર્યો છે.આ ધારાસભ્ય એ સુરત પોલીસ કમિશનરને પત્ર લખી ટ્રાફિક વિભાગની ક્રેન નંબર-1 દ્વારા અન્ય વિસ્તારોના વાહનો ગેરકાયદે ટોઈંગ કરી તોડબાજી કરવાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા જણાવ્યું છે.
જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષના હકમાં કોર્ટે આદેશ આપ્યો હતો. વારાણસીની કોર્ટે હિન્દુ પક્ષકારોની પૂજા કરવાની માગ કરતી અરજીનો સ્વીકાર કર્યો હતો. કોર્ટ દ્વારા આદેશ મળ્યા બાદ બુધવાર સાંજે શૈલેંદ્ર પાઠકે જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના તહેખાનાની પૂજા કરી હતી. તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પૂજા વિધીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ બધા વચ્ચે એવા સમાચાર મળી રહ્યા છે કે મુસ્લિમ પક્ષે આ નિર્ણય સામે ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. મુસ્લિમ પક્ષે વારાણસીની જિલ્લા અદાલતમાં પણ અરજી દાખલ કરી છે કે હિંદુઓને પૂજા કરવાથી રોકવામાં આવે. મુસ્લિમ પક્ષે આજે બંધનું એલાન કર્યું છે. પોલીસ સુરક્ષાને ત્યાં વધારી દેવામાં આવી છે. પોલીસ કાફલાને તૈનાત કરવામાં આવ્યો છે.
31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી. કથિત જમીન કૌભાંડને લઈ ઈડીએ અનેક કલાકો સુધી તેમની પૂછપરછ કરી અને તે બાદ તેની ધરપકડ કરવામાં આવી. ઝારખંડના મુખ્યમંત્રી પદ ઉપરથી હેમંત સોરેને રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેનની પસંદગી કરવામાં આવી, વિધાયક દળે ચંપઈ સોરેનને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા હતા. વિધાયક દળે તો નેતાને પસંદ કરી લીધા પરંતુ સરકાર રચવા માટે રાજ્યપાલ દ્વારા ચંપઈ સોરેનને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે આજે ચંપઈ સોરેન મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ માટે તેમને રાજ્યપાલે આમંત્રણ આપ્યું છે.