ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને લઈ આમ આદમી પાર્ટી મુદ્દો ઉઠાવી રહી છે. થોડા સમય પહેલા અરવિંદ કેજરીવાલે પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટની ડિટેલ માંગી હતી. આ મામલે અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ મામલે જેલમાં બંધ મનીષ સિસોદિયાએ જેલમાંથી એક પત્ર લખ્યો છે જેમાં વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષિણ સામે સવાલો ઉઠાવ્યા છે. પોતાના પત્રમાં સિસોદિયાએ લખ્યું કે વડાપ્રધાનનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખતરનાક છે.
તિહાડ જેલમાંથી મનિષ સિસોદિયાએ લખ્યો પત્ર
મનીષ સિસોદિયા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. પરંતુ જેલમાંથી દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતો એક પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં પીએમના ભણતરનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીના શિક્ષિત હોવા પર સવાલ ઉઠાવ્યો હતો. પોતાના પત્રમાં તેમણે લખ્યું કે વડાપ્રધાનનું ઓછું શિક્ષિત હોવું દેશ માટે ખતરનાક છે. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને શિક્ષિણનું મહત્વ નથી સમજતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓએ 60 હજાર શાળાઓ બંધ કરી લીધી છે. ભારતની પ્રગતિ માટે શિક્ષિત પીએમનું હોવું જરૂરી છે.
અરવિંદ કેજરીવાલે પીએમના ભણતરનો ઉઠાવ્યો હતો પ્રશ્ન
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન મોદીને લઈ આમ આદમી પાર્ટી આક્રામક દેખાઈ રહી છે. પીએમની ડિગ્રીને લઈ અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યો હતો. વડાપ્રધાનની ડિગ્રી અંગે અરજી દાખલ કરવા બદલ કોર્ટે કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ઓછું ભણેલું કે અભણ હોવું એ ગુનો કે પાપ નથી. મેં આ માહિતી કેમ માંગી? દેશે 75 વર્ષમાં જેટલી પ્રગતિ કરવી જોઈતી હતી તેટલી થઈ નથી. 21મી સદીના યુવાનો ઝડપી પ્રગતિ ઈચ્છે છે. આવી સ્થિતિમાં દેશના પીએમ માટે શિક્ષિત હોવું જરૂરી છે. ત્યારે ફરી એક વખત શિક્ષિત પીએમનો મુદ્દો ઉઠ્યો છે.