ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર નામંજુર કરવામાં આવી છે. ભાવનગર પોલીસે આરોપીઓ સાથે કોઈ અઘટિત બનાવ ન બને તે માટે તેમની સુરક્ષા માટે જેલ ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી હતી. જો કે ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ ન્યાયમૂર્તિએ તમામ 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર કરવાની માગ નામંજુર કરી છે.
આરોપીઓની જેલ ટ્રાન્સફર માગ રિજેક્ટ
પોલીસ પ્રશાસન દ્વારા તમામ 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર માંગવામાં આવી હતી. આ અંગે પોલીસે આરોપીઓની સુરક્ષાનું કારણ ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ ધર્યું હતું. જેલમાં બંધ 6 આરોપીઓ સાથે કોઈ અઘટીત ઘટના ન બને તે માટે પોલીસે આરોપીઓની જેલ ટ્રાન્સફરની માગ કરી હતી. જો કે ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયમૂર્તિએ તોડકાંડના 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની પોલીસની માગ રિજેક્ટ કરી હતી.
પોલીસે વ્યક્ત કરી આ આશંકા
તોડકાંડમાં મામલે પોલીસે યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા સહિત 6 આરોપી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જોકે રિમાન્ડ પૂર્ણ થતાં તોડકાંડના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા હતા. તોડકાંડને લઈને કોઈ અણબનાવ સામે ન આવે તે માટે પ્રશાસન દ્વારા 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની માગણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તોડકાંડનો ભાંડો ફોડનાર બિપિન ત્રિવેદી પણ હાલ યુવરાજસિંહ સાથે જ જેલમાં બંધ છે. જો કે હવે કોર્ટ દ્વારા અરજી નામંજુર કરવામાં આવતા હવે તમામ આરોપીઓ એક જ જેલમાં બંધ રહેશે.