જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના ચેરમેન તરીકે ચાલુ રહેશે. તેમનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. બુધવારે મળેલી ACCની વાર્ષિક સામાન્ય સભામાં જય શાહનો કાર્યકાળ સર્વાનુમતે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. ઇન્ડોનેશિયાના બાલીમાં ગઈ કાલે એટલે કે મંગળવારથી ACCની વાર્ષિક સામાન્ય સભા શરૂ થઈ હતી, જે આજે સમાપ્ત થઈ હતી. આ બેઠક 2 દિવસની હતી. જય શાહે 2021માં બાંગ્લાદેશના નઝમુલ હસનની જગ્યાએ આ પદ સંભાળ્યું હતું.
શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમી સિલ્વાએ કર્યું સુચન
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહને ત્રીજી વખત ACCના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જય શાહનો કાર્યકાળ લંબાવવાનું સૂચન શ્રીલંકા ક્રિકેટ (SLC)ના પ્રમુખ શમી સિલ્વાએ કર્યું હતું. શમી સિલ્વાએ બાલીમાં આયોજિત એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી, બધાની સહમતિથી તેને મંજૂરી આપવામાં આવી હતી.
2021માં પ્રથમ વખત બન્યા હતા ACCના પ્રમુખ
જય શાહે જાન્યુઆરી 2021માં પ્રથમ વખત આ પદ પર કબજો કર્યો હતો. આ સમય દરમિયાન તેમણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નઝમુલ હસનનું સ્થાન લીધું હતું. શાહના નેતૃત્વ હેઠળ, ACC એ 2022 માં T20 ફોર્મેટમાં એશિયા કપ અને 2023 માં એક દિવસીય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સફળતાપૂર્વક આયોજન કર્યું હતું.