ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાની પાર્ટીના પ્રચારમાં લાગી ગઈ છે. રાજકીય પાર્ટીઓ એક બીજા પર પ્રહાર કરવાના એક પણ મોકા છોડતા નથી. ત્યારે નવા વર્ષના દિવસે પણ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે તમામ લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તે બાદ ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.
ગુજરાતની સરકાર લોકશાહીને ધ્વસ્ત કરનારી સરકાર છે - જગદીશ ઠાકોર
નવા વર્ષની શુભકામના પાઠવતા જગદીશ ઠાકેરે કહ્યું કે નવું વર્ષ આપના જીવનમાં ઉજાસ, પ્રકાશ લઈને આવે. સૌ દેશવાસીઓ અને ગુજરાતીઓ ખુશહાલ રહે એવી શુભેચ્છા. વધુમાં તેમણે ઉમેર્યું કે દેશમાં અને ગુજરાતમાં જે સરકારો ચાલી રહી છે તે લોકશાહીને ધ્વસ્ત કરનારી સરકાર છે. ભાજપ પર પણ તેમને આકરા પ્રહાર કર્યા હતા.
પરિવર્તન એ જ સંકલ્પ - જગદીશ ઠાકોર
ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સંકલ્પ કરો, પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો પરિવર્તન એ જ સંકલ્પ. ગુજરાતમાં ભાજપની સરકાર બદલીએ, ભારત જોડો યાત્રામાં નવસર્જનમાં દેશને જોડવાની વાત કરીએ અને લોકશાહીને બચાવવાની વાત કરીએ.