મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન એક નિવેદન આપ્યું હતું. જે બાદ ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. સુરત કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા જે બાદ સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ થયેલા માનહાનિ કેસને લઈ નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આ મામલે નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધી સામે સુરતમાં એટલા માટે કેસ થયો કારણ કે હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે.
જગદીશ ઠાકોરે હર્ષ સંઘવીને લઈ આપ્યું નિવેદન
રાહુલ ગાંધીને જ્યારથી માનહાનિ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી કોંગ્રેસ સક્રિય થઈ છે. કોંગ્રેસ દ્વારા અનેક અભિયાનો તેમજ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. અનેક નેતાઓ આ મામલે નિવેદન પણ આપી ચૂક્યા છે અથવા તો આપી રહ્યા છે. ત્યારે આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ નિવેદન આપ્યું છે.
હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે - જગદીશ ઠાકોર
મોડાસા ખાતે કોંગ્રેસે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ દ્વારા આયોજીત 'જય ભારત સત્યાગ્રહ સંમેલન'માં જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સામે સુરતમાં એટલા માટે કેસ થયો કારણ કે હર્ષ સંઘવી સી.આર.પાટીલના પહેલા ખોળાના છે. તથા આ કેસ ના તો કોઈ મોદી સમાજના સંગઠન દ્વારા થયો છે, ના તો કોઈ મંડળ દ્વારા થયો છે. આ કેસ ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવ્યો છે.
અમિત ચાવડાએ પણ કર્યું હતું સંબોધન
તે સિવાય આરક્ષણનો મુદ્દો પણ જગદીશ ઠાકોર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ સરકાર આરક્ષણના આંકડા જાહેર કરતી નથી. જો જાહેર કરે તો સાચી હકીકત ખબર પડે કે ખરેખર ઓબીસી અનામત કેટલા ટકા છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક નેતાઓ, પૂર્વ ધારાસભ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઠાકોર સિવાય અમિત ચાવડાએ પણ સંબોધન કર્યું હતું.