બોલિવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની મુશ્કેલીઓ વધી રહી છે. કોનમેન સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 215 કરોડ રૂપિયાના ખંડણી કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે એક્ટ્રેસને 26 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવાનું સમન્સ પાઠવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ તપાસ એજન્સીઓએ કોર્ટમાં બીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે આ ચાર્જશીટનું સંજ્ઞાન લઈને આજે જ સુનાવણી માટે અભિનેત્રીને સમન્સ મોકલ્યું હતું.
12 સપ્ટેમ્બરે દિલ્લી પોલીસ કરશે પૂછપરછ
આજે સુનાવણી દરમિયાન દિલ્લી પોલીસ વતી કોર્ટમાં હાજર થયેલા વકીલે કોર્ટને જાણકારી આપી હતી કે દિલ્લી પોલીસે પણ જેક્લિન ફર્નાન્ડિઝને 12 સપ્ટેમ્બરે પૂછપરછ માટે સમન્સ આપ્યા છે. આ પહેલા પાઠવેલા સમન્સમાં તે હાજર રહી ન હતી. જેક્લીનના વકીલે પોલીસને આશ્વાસન આપ્યું હતું કે તે આગામી તારીખે થનારી પુછપરછમાં હાજર રહેશે.
ડોન ચંદ્રશેખર સાથે સંબંધના કારણે ફસાઈ જેક્લિન
ઈડીના જણાવ્યા પ્રમાણે મહાઠગ ચંદ્રશેખરે ખંડણી ઉઘરાવી ભેગા કરેલા કરોડો રૂપિયાની ગીફ્ટ આપી જેક્લિન આપી હતી. ચંદ્રશેખરે જેક્લીનના પરિવારજનોને પણ મોંઘી ભેટ આપી હતી. ED માને છે કે જેક્લિનને શરૂઆતમાં જ ખ્યાલ હતો કે આ કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર ઠગ છે અને તે ખંડણી વસૂલે છે. જેક્લીનના ચંદ્રશેખર સાથેના સંબંધોના કારણે તે ઈડીના રડાર પર છે.