હમણાં ભલે શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ રવિવારે અને સોમવારે માવઠાને કારણે વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત જ થઈ હતી ત્યારે તો કારતક મહિનામાં અષાઢી મહિના જેવો માહોલ બન્યો હતો. એટલે કે શિયાળામાં ચોમાસાનું આગમન થયું. કમોસમી વરસાદને કારણે વરસાદી માહોલ જામ્યો છે. આ માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ માવઠાની સંભાવના નહીંવત છે પરંતુ આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
આવનાર દિવસોમાં તાપમાનમાં નોંધાશે ઘટાડો
રાજ્યમાં રવિવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે તેમજ સોમવારે અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે શિયાળામાં ચોમાસાની સિઝનનો અહેસાસ થયો હતો. આ માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો આવવાની સંભાવના છે. તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે જેને કારણે ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ શકે છે. ડિસેમ્બરના શરૂઆતમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકોને થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યમાં માવઠાની સંભાવના નહીંવત!
ગુજરાત માટે આગાહી કરતા હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે રાજ્યમાં જે સિસ્ટમથી કમોસમી વરસાદ વરસ્યો હતો તે હવે પસાર થઈ ચૂકી છે. જેને કારણે રાજ્યમાં માવઠાની સંભાવના નહીંવત છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોઈ જગ્યા પર વરસાદ આવી શકે છે પરંતુ ગુજરાત પરથી કમોસમી વરસાદનું સંકટ ટળી ગયું છે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ શકે છે. ડિસેમ્બરના પ્રારંભથી ગુજરાતવાસીઓએ કાતિલ ઠંડીનો અહેસાસ કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
અમદાવાદમાં ગઈકાલે તાપમાન 26.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતનો સૌથી ઠંડોગાર વિસ્તાર નલિયા રહ્યો હતો. નલિયામાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો ભુજ અને ડીસામાં 17 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. ડીસામાં 16.9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 17.6, વડોદરામાં 18 ડિગ્રી, ભુજમાં 17.2 ડિગ્રી, અમરેલીમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દ્વારકાનું તાપમાન 19.8 ડિગ્રી, પોરબંદરમાં 18.2 ડિગ્રી , વેરાવળમાં 19.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહત્વનું છે કે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.