ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે. તાપમાનનો પારો ગગડતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં આ ઠંડી વધશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે. મહત્વનું છે કે શિયાળાની શરૂઆત થતાં જ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો હતો.
આગામી દિવસોમાં ગગડશે તાપમાનનો પારો
શિયાળાની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. એવું માનવામાં આવતું હતું કે ફરી એક વખત માવઠાનો માર સહન કરવા ખેડૂતોએ તૈયાર રહેવું પડશે પરંતુ તે આગાહી મહદઅંશે ખોટી સાબિત થઈ. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
અંબાલાલ કાકાની આગાહી મુજબ આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. નવા વર્ષની શરૂઆતમાં નલિયાનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું જઈ શકે છે તેવી આગાહી હવામાન આગાહીકાર દ્વારા કરવામાં આવી છે. ન માત્ર ગુજરાતમાં પણ દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 12.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. સુરતનું તાપમાન 17.6, ભાવનગરનું તાપમાન 16.8 ડિગ્રી જ્યારે દ્વારકાનું તાપમાન 18.4 નોંધાયું હતું. 14.4 ડિગ્રી તાપમાનનો પારો રાજકોટનો પહોંચ્યો હતો જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું.