છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. માવઠાને કારણે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. માવઠાને કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. માવઠાના રાઉન્ડે વાતાવરણમાં ફેરફાર કર્યો પરંતુ હવે માવઠાની અસર ગુજરાતમાં ઓછી થઈ રહી છે જેને કારણે ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. જેમ જેમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે તેમ તેમ કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી. વર્તમાન સિઝનનું સૌથી નીચું તાપમાન 10.4 ડિગ્રી નલિયામાં નોંધાયું.
તાપમાનનો પારો ગગડ્યો અને વધ્યું ઠંડીનું પ્રમાણ!
ગુજરાતના વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર ખેડૂતો પર પડતી હોય છે. જો વધારે વરસાદ પડે તો પણ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવે તો કોઈ વખત ઓછો વરસાદ પડે તો પણ ખેડૂતોને રડવાનો વારો આવે. ચોમાસાની સિઝન દરમિયાન વરસાદ કેવો પડશે તે અંગેની ચિંતા ખેડૂતોને સતાવતી હોય છે પરંતુ કમોસમી વરસાદ પણ ખેડૂતોને પાયમાલ કરી નાખે છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચે છે. ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે આવનાર દિવસોમાં માવઠું નહીં આવે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ ઠંડીનો ચમકારો રાજ્યમાં વધશે. તાપમાનનો પારો ગગડી શકે છે જેને કારણે હાડ થિજવતી ઠંડીની અહેસાસ આવનાર દિવસોમાં થઈ શકે છે.
આવનાર દિવસોમાં વધી શકે છે ઠંડીનું જોર!
ધીમે ધીમે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ત્યારે ગુજરાતમાં ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો 10.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. તાપમાનમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આવનાર દિવસોમાં અમદાવાદનું તાપમાન 14થી 16 ડિગ્રી સુધી પહોંચી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહમાં ઠંડીનો ચમકારો વધી શકે છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
ક્યાં કેટલી ઠંડી પડી તે અંગેની વાત કરીએ તો નલિયાનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. ભુજનું તાપમાન 15.2 ડિગ્રી, રાજકોટમાં 16.6 ડિગ્રી, કંડલામાં 18.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 17.0, અમરેલીનું તાપમાન 18.2, સુરતનું તાપમાન 20.7 ડિગ્રી, પોરબંદરનું 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજી પણ વધી શકે છે.