દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી ચાર દિવસ અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આસામમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વર્ષાને કારણે 20 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. અનેક લોકોના જીવન પર પૂરને કારણે સીધી અસર થઈ છે. 2 લોકોના મોત પણ થયા છે. મહત્વનું છે કે બિપોરજોયને કારણે અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો હતો. પહેલા જે વરસાદ આવ્યો હતો તે બિપોરજોયને કારણે આવ્યો હતો પરંતુ હવે જે વરસાદ આવ્યો છે તે ચોમાસાને કારણે આવ્યો છે.
આસામમાં પૂરને કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી
ઘણા સમય પહેલા કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હતું. દેશના બીજા રાજ્યોમાં ચોમાસુ બેસે તે પહેલા બિપોરજોય વાવાઝોડું આવી ગયું અને તે કારણે વરસાદી સિસ્ટમ વેરવિખેર થઈ ગઈ હતી. ગુજરાતમાં તેમજ રાજસ્થાનમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. પરંતુ હવે ધીમે ધીમે ચોમાસુ આગળ વધી રહ્યું છે. આસામમાં ભારે વરસાદને કારણે જનજીવન ઘણું પ્રભાવિત થયું છે. અનેક જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવવાની અસર જન જીવન પર સૌથી વધારે પડી છે. લોકો પોતાના ઘર છોડવા મજબુર થઈ રહ્યા છે.
આ રાજ્યો માટે કરવામાં આવી છે આગાહી
ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ આગામી દિવસોમાં મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન,ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદનું આગમન થઈ શકે છે. તે ઉપરાંત હરિયાણા, ગુજરાત, તેલંગાણા,મણિપુર, મિજોરમ, ગોવામાં પણ વરસાદની પધરામણી થશે. આગામી ચાર દિવસો દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 29 જૂન સુધી મોનસુન બધા રાજ્યો સુધી પહોંચી શકે છે. આજે ચોમાસું મુંબઈ પહોંચી શકે છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.