એક તરફ ભારતના અનેક રાજ્યોમાં ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં વરસાદી ઝાપટું વરસી રહ્યું છે. મૌસમ વિભાગે દેશના અનેક રાજ્યો માટે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુમાં તો ભારે વરસાદ વરસી રહ્યો છે. ઈરોડ વિસ્તારમાં એટલો જોરદાર વરસાદ થયો કે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદી ઝાપટાના વીડિયો સામે આવ્યા છે. તે ઉપરાંત કેરળના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
તમિલનાડુમાં વરસ્યો ધોધમાર વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 22 નવેમ્બરે તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક તેમજ કેરળના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 23 નવેમ્બરે પણ દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પુડુચેરીના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હીમાં પ્રદૂષણને કાબુમાં લાવવા માટે પાડવાનો હતો કૃત્રિમ વરસાદ!
મહત્વનું છે કે એક તરફ દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા વધી રહી છે તો બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. વધારે પ્રદૂષણને ધ્યાનમાં રાખી દિલ્હીમાં કૃત્રિમ રીતે વરસાદ કરવાની વિચારણા ચાલી રહી હતી પરંતુ કુદરતી રીતે ત્યાં વરસાદ વરસ્યો હતો જેને કારણે વાયુ પ્રદૂષણ ઘટ્યું હતું. પરંતુ ફરી એક વખત દિલ્હીની હવા ઝેરીલી બની રહી છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.