દેશના અનેક રાજ્યોમાં આવક વેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ઈન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા યુફ્લેક્સ ફૂડ પેકેજીંગ કંપનીમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. સાણંદ ખાતે આવેલા તેમના પેકેજિંગ યુનિટમાં દરોડા પાડવામાં આવ્યા છે. તે સિવાય ચાર જગ્યાઓ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. નાણાકીય ગેરરીતિ બદલ કંપની પર તવાઈ લાવવામાં આવી છે.
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આવકવેરા વિભાગે કરી કાર્યવાહી
બિનહિસાબી વ્યવહારોની માહિતીને લઈ દેશાના અલગ અલગ રાજ્યોમાં તેમજ અલગ અલગ કંપનીઓ પર ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર દેશભરમાં યુફ્લેક્સ ગ્રુપના સ્થળો પર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કંપની પાસેથી કરચોરી અને બિનહિસાબી વ્યવહારોની માહિતી મળી આવતા કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાત સિવાય મધ્યપ્રદેશ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નાણાકીય હિસાબમાં ગડબડી હોવાને કારણે પડાયા દરોડા
આવક વેરા વિભાગે વહેલી સવારે નોઈડાના સેક્ટર 4 માં આવેલી યુફ્લેક્સની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. પાંચ ટીમો તપાસ કરવા માટે પહોંચી હતી. દરોડાની કાર્યવાહી શરૂ થતા ઓફિસમાં ઉપસ્થિત લોકોને બહાર જવાની અનુમતી આપવામાં આવી ન હતી. તે ઉપરાંત મોબાઈલ અને લેપટોપમાંથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. કંપની પર હવાલા અને ક્રિપ્ટો દ્વારા ચીનને પૈસા મોકલવાનો આરોપ પણ છે. તે ઉપરાંત કંપનીના ટ્રાન્ઝેક્શનમાં ગડબડી થઈ હોવાના આક્ષેપો લગાવામાં આવી રહ્યા છે. 64 જેટલા સ્થળો પર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.