ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરો પક્ષનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આપના ગુજરાત એકમના ટોચના નેતાઓ સામે એક યા બીજી રીતે કાનુની કાર્યવાહીઓ ચાલી રહી છે. જો કે હવે તેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામનો સમાવેશ થયો છે. ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું છે.
જનસંવેદના સભા બદલ સમન્સ
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામની મુશ્કેલી વધી છે. આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવી અને ઉપપ્રમુખ પ્રવીણ રામને મેંદરડા પોલીસે સમન્સ પાઠવ્યું છે. 2જી જુલાઈ 2021ના રોજ યોજેલી જનસંવેદના સભા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું છે. તાલાલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંગે હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. બંને વિરુદ્ધ આઈપીસી કલમ269,188 હેઠળ ફરિયાદ નોંધાઇ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51(બી) અને જી.પી એક્ટ કલમ 135(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત રાજ્યમાં ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારો જીત્યા હતા. આપના દિગ્ગજ નેતાઓ ઈસુદાન ગઢવી, અલ્પેશ કથીરિયા, ગોપાલ ઈટાલિયાની હાર થઈ હતી.