ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં લાગી જતી હોય છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ પોતાને ગુજરાતમાં સ્થાપવા પ્રયત્ન કરી રહી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપની સરકાર બનશે તેવો દાવો કરી રહ્યા છે ત્યારે ઈસુદાન ગઢવી પણ આ વાતને સમર્થન આપી રહ્યા છે.
આમ આદમી પાર્ટીને વોટ આપવાથી મળશે સારી સુવિધા
આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને અનેક વાયદાઓ કર્યા છે. જેમાં શિક્ષણ, સારૂ સ્વાસ્થય, વીજળી જેવા અનેક મુદ્દાઓને લઈ આમ આદમી પાર્ટી પ્રચાર કરી રહી છે. ત્યારે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસને વોટ આપવાથી કઈ નહીં મળે. પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપવાથી સારી શાળા, હોસ્પિટલ, વીજળી જેવી સુવિધાઓ મળશે.
કેજરીવાલના પ્રવાસનો આજે અંતિમ દિવસ
અરવિંદ કેજરીવાલ આપનો પ્રચાર કરવા 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આવ્યા છે. પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી ગણાવવામાં આવ્યા હતા. જે બાદ અનેક વાદ-વિવાદ સર્જાયા હતા. ત્યારે આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક વાયદાઓ કર્યા અને આપ પ્રત્યે લોકોને આકર્ષવા પ્રયત્ન કર્યો હતો.