મીડિયા ઈન્ડસ્ટ્રીમાં બેક્રિંગ ન્યુઝની રાહ જોવાતી હોય છે એમાં પણ રાજકારણીઓની હલચલ પર, તેમના ટ્વિટ પર નજર રહેતી હોય છે. રાજકારણથી જો કોઈ બ્રેકિંગ ન્યુઝ આવતા હોય તો તે ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે આજે સવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને લઈ એક સમાચાર આવ્યા. રાજકારણમાં જોડાય તે પહેલા ઈસુદાન ગઢવી પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ન્યુઝ ચેનલ સાથે ઈસુદાન ગઢવી જોડાઈ શકે છે અને ડિબેટ શો પણ કરી શકે છે.
ન્યુઝ ઈન્ડસ્ટ્રીમાં ફરી પાછા આવી શકે છે ઈસુદાન ગઢવી
ન્યુઝ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી જોઈન કરી. પત્રકાર તરીકે તેઓ લોકોના પ્રશ્નોનો મુદ્દો ઉઠાવતા હતા પોતાના મહામંથન કાર્યક્રમમાં. પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાયા તે બાદ તેમણે મીડિયા લાઈન છોડી દીધી હતી. રાજકારણમાં સક્રિય થઈ ગયા અને તે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા. આ બધા વચ્ચે આજે એવી માહિતી સામે આવી કે ફરી એક વખત ઈસુદાન ગઢવી પત્રકારની ભૂમિકામાં જોવા મળી શકે છે. એક ન્યુઝ ચેનલમાં તેઓ મહામંથન જેવો કાર્યક્રમ કરી શકે છે તેવી માહિતી સામે આવી છે.
અફવાઓ વચ્ચે ઈસુદાન ગઢવીએ કરી ટ્વિટ - ટાઈગર અભી જીંદા હેં!
આવી વાતો, આવી અટકળો ચાલી રહી હતી ત્યારે ઈસુદાન ગઢવીએ એક ટ્વિટ કરી હતી. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું કે ટાઈગરે બે ડગલા પાછળ ભર્યા હોય તો લોકો એવું વિચારતા થઈ ગયા હોય કે ટાઈગર ડરી ગયો છે! કદાચ એમને એ અંદાજ નહીં હોય કે ટાઈગર બે ડગલાં પાછળ ભરે તો સમજવું કે એ વધુ જોમ અને જુસ્સા સાથે હુમલો કરવાની પેરવીમાં પણ હોય! ટાઈગર અભી જિંદા હૈ!
રાજનીતિ છોડવાનો કોઈ સવાલ જ નથી - ઈસુદાન ગઢવી
આ ટ્વિટ બાદ એવી અટકળોએ જોર પકડ્યું કે શું ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે. એવી પણ ચર્ચાઓ થવા લાગી કે શું રાજકારણમાં આવ્યા પછી ઈસુદાન ગઢવીના ડગલા પાછળ પડ્યા છે વગેરે વગેરે.... આ હજી અટકળો ચાલી રહી હતી ત્યારે વધુ એક ટ્વિટ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી જેમાં તેમણે લખ્યું કે હું આમ આદમી પાર્ટીનો અધ્યક્ષ છું અને રહીશ! રાજનીતિ લોકોની સેવા માટે પસંદ કરી છે અને એ છોડવાનો કોઈ સવાલ જ નથી! અને મરતા દમ સુધી અન્યાયની સામે રાજનીતિમાં રહીને લડવાનો છું! ટાઈગર અભી જિંદા હૈં!
શું ડિબેટમાં જોડે બેસશે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા?
મહત્વનું છે કે જો ટીવી ચેનલમાં ઈસુદાન ગઢવી ડિબેટ શો કરે છે તો શું ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા ડિબેટ શોમાં બેસશે? રાજનીતિ અને પત્રકારત્વ બંને એક સાથે કરશે ઈસુદાન ગઢવી? જો આ અટકળો સાચી હોય તો જોવું એ રહ્યું કે કઈ ચેનલ સાથે જોડાય છે તે જોવું રહ્યું.