ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે જેમાં અનેક રાજ્યો કવર થઈ જાય અને અનેક બેઠકો પણ કવર થઈ જાય. મણિપુરથી આ યાત્રાનો પ્રારંભ થયો છે અને આ યાત્રા આજે ગુજરાતમાં આવવાની છે. એક તરફ કોંગ્રેસનું સંગઠન નબળું પડી રહ્યું છે તો બીજી બાજુ ભાજપનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવી રહી છે. એવી માહિતી સામે આવી છે કે આ યાત્રામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો, કાર્યકર્તાઓ પણ જોડાવાના છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને ફોન કર્યો હતો અને યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું.
આમ આદમી પાર્ટીના નેતાઓ, લોકસભા ઉમેદવારો દેખાશે યાત્રામાં
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકો માટે ગઠબંધન થયું છે. 24 બેઠકો પર કોંગ્રેસ લડશે અને બે બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે. આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ યાત્રામાં સામેલ થયા છે. આમ આદમી પાર્ટીને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા માટે કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી ચૈતર વસાવા સહિતના નેતાઓ દેખાઈ શકે છે.
ચૈતર વસાવા જોડાવાના છે ભારત જોડો ન્યાય યાત્રામાં
ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ દેખાવાના છે. જમાવટની ટીમે જ્યારે ચૈતર વસાવાને પૂછ્યું કે તેઓ ભારત જોડો ન્યાયમાં જોડાવાના છે કે નહીં? તો તેમણે જવાબ આપ્યો કે તે આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાશે. મહત્વનું છે કે ગઠબંધન થયા બાદ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર નહીં પરંતુ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. ત્યારે જોવાનું રહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં કમાલ કરી શકે છે કે નહીં?